એક હુમલામાં બધું ખતમ કરી શકું એમ છું

06 July, 2026 10:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઈરાનમાં ઊમટેલો જનસૈલાબ અને શક્તિપ્રદર્શન જોઈને ફરી ટ્રમ્પે ધમકી આપી. આર્મેનિયાની ઈરાની એમ્બેસીએ જવાબમાં કહ્યું કે તમે લોકોને મારી શકો છો, વિચારને નહીં

ડોનલ્ડ ટ્રમ્પ

ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અલી ખામેનેઈની અંતિમયાત્રા માટે ઈરાનના ટોચના નેતૃત્વના લોકો એકસાથે એક મંચ પર ઉપસ્થિત રહેશે એવા સમયે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે ખામેનેઈના અંતિમ સંસ્કારમાં બધા લોકો હાજર રહેશે અને જો હું ઇચ્છું તો એક જ હુમલામાં ઈરાનના બાકી રહેલા નેતૃત્વને ખતમ કરી શકું એમ છું, પણ હું એમ કરવા માગતો નથી કારણ કે હું ઈરાન સાથે વાતચીત કરવા માગું છું.

આ મુદ્દે આર્મેનિયામાં આવેલી ઈરાનની એમ્બેસીએ જવાબ આપતી પોસ્ટમાં લખ્યું હતું કે ‘તમે લોકોને મારી શકો છો, પરંતુ વિચારોને નહીં. તમે આ બાબતો નહીં સમજી શકો કારણ કે તમારી પાસે નથી સભ્યતા, નથી ઇતિહાસ નથી અને સન્માન પણ નથી.’

અમેરિકા અને ઇઝરાયલ અંતિમ સંસ્કાર વખતે હુમલો કરી શકે એવી આશંકા ઈરાન પણ વ્યક્ત કરી રહ્યું છે તેથી એણે આવા હુમલા સામે ચેતવણી આપી છે.      

ખામેનેઈની અંતિમયાત્રામાં ઊમટેલી ભીડ જોઈને ડોનલ્ડ ટ્રમ્પને નવાઈ લાગી: મને તો હતું કે લોકો તેમને નફરત કરે છે, કદાચ આ આંસુ બનાવટી છે

ઈરાનના તેહરાનમાં ગ્રૅન્ડ મોસલ્લા મસ્જિદના ગ્રાઉન્ડમાં અલી ખામેનેઈના કૉફિનનાં અંતિમ દર્શન કરવા આવનારા લોકોનું આક્રંદ જોઈને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ હેરાન છે. ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અંતિમયાત્રામાં ઊમટેલી ભીડ જોઈને હું શૉક્ડ છું. મને લાગતું હતું કે ઈરાનના લોકો ખામેનેઈને નફરત કરતા હશે. કદાચ આ બધાં બનાવટી આંસુ છે.’

અંતિમયાત્રામાં શોકની સાથે બદલાનો માહોલ  

સામાન્ય રીતે શોકસભાઓમાં કાળા ઝંડા લહેરાતા હોય છે જે દુખ અને શોકનું પ્રતીક છે. જોકે આ વખતે અલી ખામેનેઈની અંતિમયાત્રામાં લાલ રંગના ઝંડા વધુ જોવા મળે છે. ઈરાનમાં લાલ ઝંડાને બદલાનું પ્રતીક માનવામાં આવે છે. છેલ્લા ૩ દિવસમાં ૨૪ લાખ લોકો તેહરાનમાં શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ચૂક્યા છે અને હજી અવિરતપણે લોકો આવી રહ્યા છે. મસ્જિદમાં એક મોટું સફેદ બૅનર લગાવેલું છે જેમાં લખ્યું છે, ‘દુનિયા જાણી લે, બદલો લેવાનું નિશ્ચિત છે.’ આ શોકસભામાં જનતાને કરેલા સંબોધનમાં એક સંચાલકે મંચ પરથી પૂછ્યું હતું કે જેણે આપણા ઇમામને માર્યા છે તે જીવતા કેમ છે? એ વખતે જનમેદનીએ અમેરિકા મુર્દાબાદ અને ઇઝરાયલ મુર્દાબાદના નારા લગાવીને ટ્રમ્પ અને નેતન્યાહુને મારી નાખવાની ડિમાન્ડ કરી હતી. 

અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ઉત્તરાધિકારી મોજતબા સિવાયના ત્રણ દીકરાઓ સામેલ થયા

ઈરાનમાં દિવંગત સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં તેમના ૩ પુત્રો હાજર રહ્યા હતા, પરંતુ તેમના ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈ ગેરહાજર રહ્યા હતા. ખામેનેઈના ૩ પુત્રો અને પરિવારના ૪ અન્ય સભ્યોએ કૉફિન પાસે પ્રાર્થના કરી હતી, પરંતુ ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈને કોઈને જોયા નહોતા. મોજતબા શા માટે હાજર રહ્યા નથી એ વિશે ચર્ચાઓ થઈ રહી છે. ૨૮ ફેબ્રુઆરીના હુમલામાં મોજતબાની પત્નીનું પણ નિધન થયું હતું અને તેઓ ઘાયલ થયા હતા. મોજતબા વિશે હજી સુધી કોઈ ફોટો કે માહિતી બહાર પાડવામાં આવ્યાં નથી. હુમલામાં મોજતબા ખામેનેઈના ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી અને હુમલામાં તેમને એક કે બન્ને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

international news india iran israel middle east crisis united states of america mojtaba khamenei