13 September, 2026 09:28 AM IST | America | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇરાક દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઑઇલ નિકાસકાર સાઉદી અરેબિયાએ એની ૧૨૦૦ કિલોમીટર લાંબી મુખ્ય તેલ પાઇપલાઇન બંધ કરી દીધી છે. આ પાઇપલાઇન પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે અને એ હાલમાં યુદ્ધગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરવામાં મદદ કરે છે. એમાં રોજના ચાલીસથી પચાસ લાખ બૅરલ ક્રૂડની સપ્લાય કરવામાં આવે છે જે વૈશ્વિક એનર્જીના ચારથી પાંચ ટકા જેટલું થવા જાય છે. આ હુમલાથી ઈરાન સમર્થિત હુથી બળવાખોરોને રેડ સી વિસ્તારમાં કન્ટ્રોલ મળી ગયો છે. આ ઘટનાને પગલે ક્રૂડના વૈશ્વિક ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન બળતણના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. અમેરિકામાં ડીઝલનો છૂટક ભાવ પ્રથમ વખત પ્રતિ ગૅલન ૬ ડૉલરની વિક્રમી સપાટીને વટાવી ગયો છે.
પોતાના એક રિસૉર્ટમાં ગૉલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આયરલૅન્ડની મુલાકાતે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ મુદ્દે કહ્યું હતું કે આ હુમલા માટે સંભવિતપણે ઈરાન જવાબદાર છે. ૬ મહિના પહેલાં શરૂ કરાયેલું યુદ્ધ કદાચ નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીઓ પછી ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અને એ સમયે તેલના ભાવમાં ભારે ઘટાડો થશે.