27 May, 2025 07:48 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
સાઉદી અરેબિયામાં છેલ્લાં ૭૩ વર્ષથી દારૂ પર કડક પ્રતિબંધ
ઇસ્લામિક રિવાજો અને કડક શરિયા કાયદાઓ માટે જાણીતા સાઉદી અરેબિયામાં છેલ્લાં ૭૩ વર્ષથી દારૂ પર કડક પ્રતિબંધ છે, પરંતુ હવે એ જ સાઉદી અરેબિયા એક ઐતિહાસિક નિર્ણય તરફ આગળ વધી રહ્યું છે. આ રૂઢિચુસ્ત દેશ ૨૦૨૬માં દારૂનાં નિયંત્રિત વેચાણ અને વપરાશને મંજૂરી આપશે. આ ફેરફાર રિયાધમાં યોજવામાં આવનારા એક્સ્પો ૨૦૩૦ અને ફુટબૉલ વર્લ્ડ કપ ૨૦૩૪ સહિતના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે દેશની તૈયારીના એક ભાગરૂપ છે.
૬૦૦ સ્થળે મળશે દારૂ
દારૂનું વેચાણ અમુક ચોક્કસ વિસ્તારો સુધી મર્યાદિત રહેશે જેમાં સાઉદી અરેબિયામાં લગભગ ૬૦૦ સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. આમાં મોટા ભાગે પાંચ લક્ઝરી હોટેલ, ફાઇવ સ્ટાર રિસૉર્ટ, ડિપ્લોમૅટિક ઝોન અને વિદેશી ટૂરિસ્ટો માટે વિકસાવવામાં આવેલા વિસ્તારો હશે.
કયાં પીણાંની મંજૂરી નથી?
આ ૬૦૦ સ્થળોએ બિઅર, વાઇન અને સાઇડર પીરસવામાં આવશે જેમાં આલ્કોહોલનું પ્રમાણ માત્ર ૨૦ ટકા જેટલું જ હશે. સ્પિરિટ જેવા હાર્ડ આલ્કોહોલિક પીણાંને મંજૂરી આપવામાં નહીં આવે. સરકાર ઘરો, દુકાનો અથવા જાહેર સ્થળોએ દારૂ પીવાની મંજૂરી નહીં આપે. વ્યક્તિગત દારૂ-ઉત્પાદન પર પણ પ્રતિબંધ રહેશે. ફક્ત લાઇસન્સપ્રાપ્ત સ્થળો અને પ્રશિક્ષિત સ્ટાફને દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવશે. આ નિયમો દેશનાં રિવાજો અને ધોરણોને અનુરૂપ બનાવવામાં આવ્યા છે.
૭૩ વર્ષ પછી
સાઉદી અરેબિયાએ લગભગ ૭૩ વર્ષ પછી દારૂ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આને એક મોટો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે. સાઉદી સતત એના કડક કાયદાઓમાં ફેરફાર કરી રહ્યું છે અને પર્યટનને એક મોટી તક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નિર્ણય પણ આ ક્રમમાં લેવામાં આવ્યો છે. જોકે સાઉદીના લોકો માટે દારૂ હજી પણ પ્રતિબંધિત છે.
કયા દેશોમાં શરાબ પ્રતિબંધિત છે?
દુનિયામાં ઘણા દેશો એવા છે જ્યાં આજે પણ દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આમાં બ્રુનેઈ, સોમાલિયા, ઈરાન, લિબિયા અને કુવૈતનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં પણ દારૂ પર ઘણા પ્રતિબંધો છે. મોટા ભાગના મુસ્લિમ દેશોએ ધર્મના આધારે દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. જોકે કેટલાક દેશો હવે પર્યટનને ધ્યાનમાં રાખીને આ નિયમોમાં થોડી છૂટછાટ આપી રહ્યા છે.