✕

યુક્રેનમાં ભારતીય દવાકંપની પર રશિયાનો ડ્રોન હુમલો

05 October, 2026 10:55 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, અનેક લોકો ઘાયલ થયા

આ હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા

યુક્રેનના સુમી શહેરમાં ભારતીય મૂળના કુસુમ ગ્રુપના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ પર રશિયન ડ્રોનનો હુમલો થયો હતો. આ હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા. પ્લાન્ટની મુખ્ય બિલ્ડિંગને નુકસાન થયું હતું. કુસુમ ગ્રુપે ૧૯૯૪માં ભારતીય દવાઓનું વિતરણ કરીને યુક્રેનમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને બાદમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં પ્રવેશ કર્યો હતો.  આ ફૅક્ટરી રશિયાની સરહદથી માત્ર ૨૩ કિલોમીટર દૂર છે. આ કંપની હાલમાં ભારતીય નાગરિક રાજીવ ગુપ્તા દ્વારા સંચાલિત છે. કંપની પોતાને ભારતીય મૂળની યુક્રેનિયન કંપની તરીકે વર્ણવે છે.

રશિયાએ ૨૪ કલાકમાં બે વાર વિદેશી ડિપ્લોમેટ્સ અને નાગરિકોને યુક્રેનની રાજધાની છોડવાની ચેતવણી આપી

રશિયાએ યુક્રેનની રાજધાની કિએવ પર ભારે હુમલાઓ કરવા વિશે આગોતરી ચેતવણી આપી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રશિયાના વિદેશ-મંત્રાલયે કિએવમાં રહેતા વિદેશી ડિપ્લોમેટ્સ અને વિદેશી નાગરિકોને તાત્કાલિક શહેર છોડવાની ચેતવણી આપી હતી. રશિયાએ કહ્યું હતું કે અમે ચિંતા સાથે નોંધીએ છીએ કે કેટલાક લોકોએ આ ચેતવણી પર ધ્યાન આપ્યું નથી અને તેઓ જાણીજોઈને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

આ મુદ્દે રશિયાના વિદેશ-મંત્રાલયે જણાવ્યું હતું કે ‘રશિયન ફેડરેશનનાં સશસ્ત્ર દળો વળતા પ્રહારરૂપે મોટા પાયે હુમલા કરવાનું ચાલુ રાખશે. કોઈ પણ સંભવિત નકારાત્મક પરિણામોની સંપૂર્ણ જવાબદારી એવા લોકોની રહેશે જેઓ આ ચેતવણીને અવગણશે.’

international news world news russia ukraine