રશિયાનો દાવો : ૨૪ કલાકમાં ૧૪૩૦ યુક્રેનિયન સૈનિકો મારી નાખ્યા

04 June, 2025 11:49 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

યુક્રેને કહ્યું કે અમે એક દિવસમાં ૧૧૦૦ રશિયન સૈનિકો માર્યા અને ત્રણ વર્ષમાં કુલ ૧૦ લાખ રશિયન સૈનિકો મર્યા

પ્રતીકાત્મક તસવીર

રશિયાના સંરક્ષણ મંત્રાલયે સોમવારે જાણકારી આપી હતી કે યુક્રેનમાં ખાસ લશ્કરી કાર્યવાહીમાં રશિયન દળોએ એક દિવસમાં ૧૫૦થી વધુ વિસ્તારોમાં હુમલો કર્યો હતો અને એમાં યુક્રેનના ૧૪૩૦ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. યુક્રેન દ્વારા ચાર હવાઈમથકો પર ૪૦થી વધુ રશિયન બૉમ્બર વિમાનોનો વિનાશ કર્યો હોવાના યુક્રેનના દાવા બાદ રશિયાએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ યુક્રેને કહ્યું કે યુદ્ધમાં અમે ૨૪ કલાકમાં ૧૧૦૦ રશિયન સૈનિકો માર્યા છે. આ સિવાય યુક્રેનનો દાવો છે કે ત્રણ વર્ષના યુદ્ધમાં લગભગ દસ લાખ રશિયન સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

યુક્રેન જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે રશિયાએ ૧૦,૮૮૧ ટૅન્ક, ૨૨,૬૭૧ સશસ્ત્ર લડાઈ વાહનો, ૫૦,૬૦૭ વાહનો અને બળતણ ટાંકી, ૨૮,૬૨૩ આર્ટિલરી સિસ્ટમ, ૧૪૦૨ મ​લ્ટિપલ લૉન્ચ રૉકેટ સિસ્ટમ, ૧૧૭૬ હવાઈ સંરક્ષણ પ્રણાલી, ૩૮૪ વિમાન, ૩૩૬ હેલિકૉપ્ટર, ૩૮,૭૪૮ ડ્રોન, ૨૮ જહાજો અને બોટ અને એક સબમરીન ગુમાવ્યાં છે.

ઇસ્તાંબુલમાં શાંતિ-મંત્રણા
યુક્રેનમાં યુદ્ધ વચ્ચે બન્ને દેશો હાલમાં ટર્કીના ઇસ્તાંબુલમાં યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યા છે. યુદ્ધવિરામ વાટાઘાટોના પ્રથમ રાઉન્ડ દરમ્યાન બન્ને દેશો કેદીઓની અદલાબદલીના સોદા પર સંમત થયા હતા અને યુદ્ધમાં માર્યા ગયેલા ૬૦૦૦ સૈનિકોના અવશેષો મુક્ત કરશે.

russia ukraine interntaional news news world news