30 October, 2025 12:35 PM IST | Russia | Gujarati Mid-day Correspondent
ન્યુક્લિયર ઊર્જાથી ચાલતી અમોઘ બુરેવેસ્ટનિક ક્રૂઝ મિસાઇલ
હજી બે દિવસ પહેલાં જ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને અનલિમિટેડ અંતરે નિશાન સાધી શકે એવી ન્યુક્લિયર ઊર્જાથી ચાલતી અમોઘ બુરેવેસ્ટનિક ક્રૂઝ મિસાઇલ લૉન્ચ કરીને વિશ્વભરના લોકોને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. જોકે ગઈ કાલે પુતિને વધુ એક પરમાણુ ઊર્જા સંચાલિત જબરદસ્ત હથિયારનું સફળ પરીક્ષણ કરી લીધું છે. ટૉર્પીડો તરીકે ઓળખાતું આ હથિયાર સબમરીન દ્વારા પાણીની અંદરથી ટાર્ગેટ પર છોડવામાં આવે છે. પુતિને પોસાઇડન નામનાં ટૉર્પીડો હથિયાર તૈયાર કર્યાં છે જે પરમાણુ ઊર્જાથી ચાલતું પ્રલયકારી મશીન છે. મહિનાઓ સુધી આ હથિયાર સમુદ્રના પેટાળમાં છુપાયેલું રહી શકે છે અને એ પરમાણુ ઊર્જાની દૃષ્ટિએ એટલું શક્તિશાળી હોય છે કે કોઈ આખા શહેરને નકશા પરથી ગાયબ કરી નાખી શકે. ગઈ કાલે વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે રશિયાએ દુનિયાનાં સૌથી શક્તિશાળી પાણીની નીચેથી હુમલો કરતાં હથિયારોમાંના એક પોસાઇડન નામના ટૉર્પીડોનું આર્કટિક મહાસાગરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સામાન્ય રીતે ટૉર્પીડો હથિયાર થોડુંક અંતર કાપે એટલે એનું ઈંધણ ખતમ થઈ જાય છે, પરંતુ પોસાઇડનમાં પરમાણુ રીઍક્ટર લાગેલું છે એને કારણે તેની રેન્જ લગભગ અમર્યાદિત છે.
પોસાઇડનની ખાસિયતો શું?
વજન ઃ લગભગ ૧૦૦ ટન
સ્પીડ : લગભગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક
રેન્જ : હજારો કિલોમીટર (અમર્યાદિત)
૧૦૦૦ મીટર સુધી પાણીમાં ચાલી શકે છે જ્યાં સબમરીન ન જઈ શકે.
૧૦૦ મેગા ટન ક્ષમતાનો પરમાણુ બૉમ્બ લગાવી શકાય છે.
સમુદ્રના ઊંડાણમાં હોવાથી અને ખૂબ ઓછો અવાજ કરતું હોવાથી એને પકડવાનું બહુ મુશ્કેલ છે.