20 October, 2025 08:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે ડોનલ્ડ ટ્રમ્પ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કી પણ વારંવાર અમેરિકા જઈને વાટાઘાટો માટેની વાતચીત કરી રહ્યા છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી વાતચીતમાં પુતિને શરત મૂકી હોવાનું જાણવા મળ્યું છે. વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ પુતિને ટ્રમ્પ પાસે યુક્રેનના પૂર્વીય ક્ષેત્ર ડોનેટ્સ્ક પર સંપૂર્ણ નિયંત્રણની માગણી કરી છે. તેમણે યુદ્ધ-સમાપ્તિ માટે આ મુખ્ય શરત મૂકી છે.
પુતિન આ ક્ષેત્ર પર છેલ્લાં ૧૧ વર્ષથી કબજો કરવા માગે છે અને યુક્રેનની સેના આ વિસ્તારને પોતાની રક્ષણાત્મક ઢાલ માને છે, કેમ કે આ જ એ વિસ્તાર છે જે રશિયાને તેમની રાજધાની કીવ સુધી પહોંચવામાં અવરોધે છે.