ઇમરાન ખાનને એન્કાઉન્ટર કે અરેસ્ટનો ડર

19 May, 2023 11:32 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

લાહોરમાં ૪૦ ‘આતંકવાદીઓ’ છુપાયા હોવાના આક્ષેપ સાથે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાનના ઘરની બહાર પોલીસનો જમાવડો

લાહોરમાં ઝમાન પાર્ક પાસે તહેનાત પોલીસ. અહીં આવતા-જતા લોકોનું ચેકિંગ કરવામાં આવે છે.

લાહોરના ઝમાન પાર્ક પર અત્યારે દુનિયાભરના લોકોની નજર છે. અહીં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનું ઘર છે, જેમાં ૪૦ આતંકવાદીઓ છુપાયા હોવાની વાત બુધવારે કહેવામાં આવી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ચીફ ઇમરાન ખાન પોતાના ઘરમાં છે. પોલીસના મોટી સંખ્યામાં જવાનોએ ઇમરાનના ઘરને ઘેરી લીધું છે. પાકિસ્તાનના પંજાબની સરકાર તરફથી ઇમરાનને આ ‘આતંકવાદીઓ’ને સોંપી દેવા માટે ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ ડેડલાઇન ગઈ કાલે પૂરી થઈ હતી, એ પછીથી ઇમરાનને તેના એન્કાઉન્ટર કે અરેસ્ટનો ડર લાગી રહ્યો છે.  ઇમરાને કહ્યું કે ‘અમારી પાર્ટી આતંકના રાજનો સામનો કરી રહી છે. મારા તમામ સિનિયર નેતાઓ જેલમાં છે. અભૂતપૂર્વ કાર્યવાહી થઈ રહી છે. મારી પાર્ટીના સિનિયર નેતાઓને અદાલતમાંથી જામીન મળે છે અને તેઓ જેવા અદાલતમાંથી બહાર આવે છે કે તરત જ તેમની ફરીથી ધરપકડ થઈ જાય છે. જો તેઓ કહેતા હોય કે ૪૦ આતંકવાદીઓ છુપાયા છે પોલીસ તેમનાં નામ કહે.’ 

સિનિયર પોલીસ ઑફિસર હસન ભાટીએ ગઈ કાલે દાવો કર્યો હતો કે તેમણે ઝમાન પાર્ક એરિયામાંથી આઠ વ્યક્તિની ધરપકડ કરાઈ છે, જેઓ ૯ મેએ આર્મીનાં સંસ્થાનો પરના હુમલામાં સંડોવાયેલા હોવાની શંકા છે. 

ઇમરાનની પાર્ટીએ આ દાવાને ફગાવી દીધો હતો. હેવી મશીનરીથી સજ્જ પોલીસ જવાનો ઝમાન પાર્ક પાસે રેડી પોઝિશનમાં છે. પોલીસે બૅરિયર્સ મૂકીને ઇમરાનના ઘર તરફ જતા તમામ રસ્તા બ્લૉક કર્યા છે. એ એરિયામાં જૅમર્સ પણ મૂકવામાં આવ્યાં છે.

સિનિયર પોલીસ સુપરિન્ટેડન્ટ હસન જાવીદે કહ્યું કે ‘અમને માહિતી મળી છે કે ૩૦-૪૦ લોકો ઇમરાનના ઘરમાં છુપાયા છે. જેઓ આર્મી સંસ્થાનો પર હુમલામાં સંડોવાયેલા હતા. અત્યારે તો અમે આઠ જણને કસ્ટડીમાં લીધા છે. અનેક લોકો ઝમાન પાર્કમાંથી બહાર આવવાની કોશિશ કરે છે, પરંતુ પોલીસને જોતાં જ પાછા ફરી જાય છે.’

columnists international news imran khan pakistan lahore