ચીનના પ્રવાસે ૨૦૧૮ બાદ પ્રથમ વખત જશે નરેન્દ્ર મોદી

07 August, 2025 10:01 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન બન્યા પછી છઠ્ઠી હશે આ મુલાકાત : બદલાતાં વૈશ્વિક પરિબળો વચ્ચે શી જિનપિંગની સાથેની ચર્ચા પર સમગ્ર વિશ્વની નજર

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઑગસ્ટથી પહેલી સપ્ટેમ્બર દરમ્યાન ચીનના ટિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) કૉન્ફરન્સમાં ભાગ લેશે. ૨૦૨૦માં ગલવાનમાં થયેલા ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષ પછી વડા પ્રધાનની આ પહેલી ચીનની મુલાકાત હશે.

પહેલાં જપાન જશે

વડા પ્રધાન મોદી ૩૦ ઑગસ્ટે જપાન પહોંચશે. અહીં તેઓ જપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા સાથે ભારત-જપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠક બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને ટેક્નૉલૉજિકલ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નવી શિંકાનસેન E10 ટેક્નૉલૉજીનો સમાવેશ કરવા પર ચર્ચા થશે. સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા અને ઇન્ડો-પૅસિફિક વ્યૂહરચનામાં સંકલન, સેમી-કન્ડક્ટર્સમાં રોકાણ, ગ્રીન એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ આ મુલાકાત દરમ્યાન ચર્ચા થશે.

૨૦૧૮ પછી ચીનની મુલાકાત

જપાન પછી વડા પ્રધાન ચીન જશે. ત્યાં તેઓ ટિયાનજિન શહેરમાં આયોજિત SCO કૉન્ફરન્સમાં ભાગ લેશે. આ કૉન્ફરન્સ ૩૧ ઑગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી યોજાશે. SCOના સભ્યદેશો સાથે પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારત-ચીન સંબંધોમાં સ્થિરતા અને સંવાદ પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.

પુતિન અને જિનપિંગ સાથે મુલાકાત

આ સંમેલન દરમ્યાન નરેન્દ્ર મોદી રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાત કરે એવી શક્યતા છે. આ અગાઉ વડા પ્રધાન અને જિનપિંગ ઑક્ટોબર ૨૦૨૪માં કાઝાનમાં બ્રિક્સ (BRICS = બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા) કૉન્ફરન્સમાં મળ્યા હતા.

નરેન્દ્ર મોદી : પહેલાં ચાર વર્ષમાં પાંચ વાર ચીન ગયા : હવે સાત વર્ષે પહેલી વાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં ૧૪થી ૧૬ મે ૨૦૧૫માં ચીન ગયા હતા. એ પછી સપ્ટેમ્બર ૨૦૧૬માં G-20 સંમેલન માટે તેમ જ સપ્ટેમ્બર ૨૦૧૭માં બ્રિક્સ શિખર સંમેલન માટે ચીન ગયા હતા. ચોથી વાર તેઓ એપ્રિલ ૨૦૧૮માં ગયા હતા. છેલ્લે જૂન ૨૦૧૮માં SCOની બેઠકમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી ચીન ગયા હતા. ત્યાર બાદ સાત વર્ષમાં આ તેમનો પહેલો અને ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછીનો છઠ્ઠો ચીનપ્રવાસ હશે.

narendra modi china brics japan g20 summit international news news world news