19 December, 2025 08:38 AM IST | Oman | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીના શિરે એક વધુ તાજ સજ્યો હતો
ગુરુવારે ઓમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શિરે એક વધુ તાજ સજ્યો હતો. તેમને ઓમાનના સુલતાન હેથમ બિન તારિકના હસ્તે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ ઓમાનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન એક પ્રતિષ્ઠા છે. આ સન્માન આ પહેલાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય, નેલ્સન મન્ડેલા અને જપાનના સમ્રાટ જેવી મહાન વિભૂતિઓને અપાયું છે. મસ્કતના અલ બરાકા પૅલેસમાં નરેન્દ્ર મોદીને આ સન્માન અપાયું હતું.
દ્વિપક્ષીય વેપાર
ભારત અને ઓમાન વચ્ચે ટેક્સટાઇલ, ફુટવેઅર, ઑટોમોબાઇલ, જેમ્સ ઍન્ડ જ્વેલરી, રિન્યુએબલ એનર્જી અને ઑટો કમ્પોનન્ટ ક્ષેત્રે દ્વિપક્ષીય વેપાર-કરારો થયા હતા. ભારતના ૯૮ ટકા માલને ઓમાનમાં ટૅક્સ-ફ્રી કરવામાં આવ્યો છે. બીજી તરફ ભારત ખજૂર, સંગેમરમર અને પેટ્રો કેમિકલ જેવી ચીજોમાં ઓમાનનાં ઉત્પાદનો પર શુલ્ક ઘટાડશે. મસ્કતમાં ભારત અને ઓમાન બિઝનેસ સમિટને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘બન્ને દેશોના મજબૂત સંબંધો સરાહનીય છે. અહીંનાં સ્ટાર્ટઅપ્સ પણ ભારતમાં આવીને રોકાણ કરી શકે છે. નવા પ્રયોગો કરીને ભારત-ઓમાન સાથે મળીને આગળ વધશે. આજે અમે એક એવો ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા છીએ જેની ગુંજ આવનારા અનેક દાયકાઓ સુધી સંભળાશે. વ્યાપક આર્થિક ભાગીદારીનો કરાર એકવીસમી સદીમાં નવો ભરોસો અને નવી ઊર્જા આપશે. આ ભાગીદારી આવનારા અનેક દાયકાઓ સુધી બન્ને દેશોના સંબંધોને દિશા આપશે અને બન્ને દેશોના સહિયારા ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક છે.’
ભારતીયોના મોદી-મોદીના નારા
નરેન્દ્ર મોદીએ ઓમાનની રાજધાની મસ્કતમાં ભારતીય સમુદાયના લોકોના સંમેલનને પણ સંબોધ્યું હતું. ભારતીય સમુદાયના લોકો પણ પોતાના દેશના વડા પ્રધાનને જોઈને તેમની સાથે હાથ મિલાવવા, નજીકથી એક ઝલક મેળવવા તલપાપડ થઈ ઊઠ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ‘આજે આપણે અહીં એક પરિવારની જેમ એકઠા થયા છીએ. આપણે આપણા દેશ અને ટીમ ઇન્ડિયાનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. વિવિધતા આપણી સંસ્કૃતિનો સૌથી મજબૂત પાયો છે. ભારતમાં દરરોજ નવા રંગો લાવે છે, દરેક મોસમ એક તહેવાર છે. ભારતીય સમુદાય ભારત અને ઓમાનને નજીક લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.’