03 September, 2025 02:40 PM IST | Shanghai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સેમિકૉન ઇન્ડિયા 2025 કૉન્ફરન્સમાં ભારતના અર્થતંત્રની ગતિની ચર્ચા કરતી વખતે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ પર ઇશારામાં કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે વિશ્વ આર્થિક સ્વાર્થથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે.
આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના આંકડા ટાંકીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ફરી એક વાર ભારતે દરેક અપેક્ષા, દરેક મૂલ્યાંકન કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. વિશ્વના અર્થતંત્રમાં ચિંતાઓ છે, આર્થિક સ્વાર્થથી ઉદ્ભવતા પડકારો છે. એવા વાતાવરણમાં ભારતે ૭.૮ ટકાનો વિકાસદર હાંસલ કર્યો છે અને આ વૃદ્ધિ ઉત્પાદન, સેવા, કૃષિ અને બાંધકામ સહિત દરેક ક્ષેત્રમાં દેખાય છે. દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે.’
તેલ કાળું સોનું હતું, પરંતુ ચિપ્સ ડિજિટલ ડાયમન્ડ
ભારતમાં સેમીકન્ડક્ટરનું ઉત્પાદન શરૂ થવાના મુદ્દે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારત હવે બૅકએન્ડથી પૂર્ણસ્તરીય સેમીકન્ડક્ટર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. અમે બધા રોકાણકારોનું સ્વાગત કરવા તૈયાર છીએ. એ દિવસ દૂર નથી જ્યારે વિશ્વ કહેશે કે ડિઝાઇન્ડ બાય ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા અને ટ્રસ્ટેડ બાય વર્લ્ડ. આ ભવિષ્યની ઓળખ હશે. સેમીકન્ડક્ટર્સની દુનિયામાં એવું કહેવામાં આવે છે કે તેલ કાળું સોનું હતું, પરંતુ ચિપ્સ ડિજિટલ ડાયમન્ડ છે. છેલ્લી સદીમાં વિશ્વનું ભવિષ્ય તેલના કૂવાઓ દ્વારા નક્કી કરવામાં આવતું હતું, પરંતુ એકવીસમી સદીની શક્તિ એક નાની ચિપમાં સમાવી દેવામાં આવી છે. આ ચિપ નાની હોઈ શકે છે, પરંતુ એમાં વિશ્વના વિકાસને વેગ આપવાની શક્તિ છે.’