ફિલિપાઇન્સમાં વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં કર્યો ગોળીબાર, પાછું લાઇવસ્ટ્રીમિંગ પણ કર્યું! બે વિદ્યાર્થીઓનાં મોત

18 August, 2026 10:08 AM IST  |  Zamboanga | Gujarati Mid-day Online Correspondent

Philippines School Shooting: દક્ષિણ ફિલિપાઇન્સની `એટેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટી`ના હાઇસ્કૂલ કેમ્પસમાં નાબાલિક વિદ્યાર્થીએ બે હથિયારો સાથે દાખલ થઈને અંધાધૂંધ ગોળીબાર કર્યો; એક વિદ્યાર્થીનું મોત, બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત, હુમલાખોરે પણ આત્મહત્યા કરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દક્ષિણ ફિલિપાઇન્સના ઝામ્બોઆંગા સિટીમાં આવેલી `એટેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટી` (Ateneo de Zamboanga University) ના હાઇસ્કૂલ કેમ્પસમાં મંગળવાર, ૧૮ ઓગસ્ટના રોજ એક સગીર વિદ્યાર્થીએ વર્ગખંડની અંદર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ કરુણ દુર્ઘટનામાં હુમલાખોર સગીર વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થીઓના મોત થયા છે. ઘટના બાદ તરત જ સમગ્ર કેમ્પસમાં લોકડાઉન જાહેર કરીને ઇમરજન્સી સેવાઓ અને પોલીસ દળોએ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

હુમલાખોર વિદ્યાર્થી પાસે 45 કાલિબરની પિસ્તોલ અને રાઇફલ હતી, લાઇવસ્ટ્રીમ કર્યું

ઝામ્બોઆંગા સિટી (Zamboanga City) ના મેયર ખાઇમર અદાન ઓલાસો (Mayor Khymer Adan Olaso) અને પ્રાદેશિક પોલીસ અધિકારીઓના નિવેદન અનુસાર, શંકાસ્પદ સગીર વિદ્યાર્થી 45-કાલિબરની પિસ્તોલ અને હાઇ-પાવર્ડ રાઇફલ સાથે કેમ્પસમાં દાખલ થયો હતો. અધિકારીઓએ નોંધ્યું હતું કે, હુમલાખોરે સોશિયલ મીડિયા (Social Media) પર આ ઘટનાનું (Philippines School Shooting) લાઇવસ્ટ્રીમિંગ કરવા માટે પોતાના શરીર પર બોડી કેમેરો પહેર્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ, હુમલાખોરે સૌપ્રથમ ક્લાસરૂમમાં ટેબલ પર બેઠેલા શિક્ષકને નિશાન બનાવ્યા હતા; જોકે શિક્ષકને ગોળી વાગી હતી કે નહીં તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ત્યારબાદ તેણે બીજા રૂમમાં જઈને સાથી વિદ્યાર્થી પર ગોળી ચલાવી હતી અને પછી પોતાની જાતને ગોળી મારી દીધી હતી. મેયર ઓલાસોએ પુષ્ટિ કરી છે કે, અન્ય વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે આ હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કેમ્પસ ખાલી કરાવાયું અને વર્ગો સ્થગિત કરાયા

ગોળીબારના અવાજ સાંભળતાં જ યુનિવર્સિટી સિક્યુરિટી અને સ્થાનિક પોલીસે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટી સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવા માટે સેફ્ટી પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો.

`એટેનિયો ડી ઝામ્બોઆંગા યુનિવર્સિટીના પ્રમુખ ફાધર એર્નાલ્ડ અંદાલ (President Fr. Ernald Andal) એ સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે, સક્રિય શૂટિંગના જોખમને નિષ્ક્રિય કરવામાં આવ્યું છે અને હવે કેમ્પસમાં કોઈ ખતરો નથી. યુનિવર્સિટી પ્રશાસને તમામ વર્ગો સ્થગિત કરી દીધા છે અને બાકીના વિદ્યાર્થીઓને તેમના વાલીઓને સુરક્ષિત સોંપવા માટે સમન્વય સાધ્યો છે.

સિક્યોરિટી ભંગ અંગે તપાસ શરૂ

ફિલિપાઇન્સ નેશનલ પોલીસ (Philippine National Police - PNP) ના વડા જનરલ જોસ મેલેન્સિયો નરતાતેઝ જૂનિયર (General Jose Melencio Nartatez Jr.) એ જણાવ્યું હતું કે પોલીસે સમગ્ર કેમ્પસ સીલ કરી દીધું છે. સગીર વિદ્યાર્થી સુરક્ષા તપાસમાંથી બચીને બંદૂકો અને અન્ય સાધનો શાળા પરિસરમાં કેવી રીતે લઈ આવ્યો તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

સત્તાવાળાઓએ લોકોને વિનંતી કરી છે કે, પીડિત પરિવારો અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ન ફેલાય તે માટે આ ઘટનાના બિનઅધિકૃત વીડિયો, ફોટોગ્રાફ્સ કે લાઇવસ્ટ્રીમ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર શેર ન કરવા.

philippines murder case fire incident international news world news news Crime News