બંગલાદેશના ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન શાકિબ અલ હસનના ઘર પર પેટ્રોલ-બૉમ્બથી હુમલો

07 August, 2026 09:32 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો એના થોડા જ કલાકોમાં અજાણ્યા હુમલાખોરોએ ઘરને ટાર્ગેટ બનાવ્યું

શાકિબ અલ હસનના મગુરા જિલ્લામાં આવેલા ઘર પર બુધવારે રાત્રે અજાણ્યા લોકો દ્વારા પેટ્રોલ-બૉમ્બ અને પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો

બંગલાદેશ ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને અવામી લીગના ભૂતપૂર્વ સંસદસભ્ય શાકિબ અલ હસનના મગુરા જિલ્લામાં આવેલા ઘર પર બુધવારે રાત્રે અજાણ્યા લોકો દ્વારા પેટ્રોલ-બૉમ્બ અને પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની દિલ્હીથી આયોજિત વર્ચ્યુઅલ મીડિયા ચર્ચામાં શાકિબ અલ હસને ભાગ લીધો હતો. આ ઘટનાના થોડા જ કલાકો બાદ હુમલાખોરોએ શાકિબના ઘરની બારીઓના કાચ તોડીને સમગ્ર મિલકતને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ બનાવ રાત્રે આશરે ૮.૪૫ વાગ્યે બન્યો હતો. હુમલા વખતે મોટો ધમાકો થયો હતો, પરંતુ સદ્નસીબે આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી. ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર પોલીસ-કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે. દેશમાં ઑગસ્ટ ૨૦૨૪ની રાજકીય ઘટનાઓ બાદ અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને શાકિબ વિરુદ્ધ હત્યા સહિતના અનેક કેસ નોંધાયેલા હોવાથી તે વિદેશમાં રહે છે.

international news world news bangladesh sports sports news sheikh hasina