15 October, 2026 02:21 PM IST | Peshawar | Gujarati Mid-day Online Correspondent
શાળામાં બચાવ કાર્ય ચાલુ (તસવીર સૌજન્યઃ એએફપી)
પાકિસ્તાન (Pakistan)ના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતની રાજધાની પેશાવર (Peshawar)માં આજે ગુરુવાર, ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ એક ખાનગી શાળાની કોંક્રીટની છત અચાનક ધરાશાયી થવાથી ઓછામાં ઓછા ૨૮ બાળકો અને એક મહિલા શિક્ષિકાના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે દબાયેલા પીડિતોને બહાર કાઢવા (Peshawar School Roof Collapse) માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રેસ્ક્યુ ટીમો, સ્થાનિક સ્વયંસેવકો અને સુરક્ષા જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ કરૂણ દુર્ઘટના પેશાવરના ભીડભાડવાળા દીર કોલોની (Dir Colony) વિસ્તારમાં બની હતી. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે મૃત્યુ પામેલા તમામ બાળકોની ઉંમર ૧૩ વર્ષ કે તેથી ઓછી હતી.
મકાનની છત ધરાશાયી થવાની આ ઘટના બાદ, રેસ્ક્યુ ૧૧૨૨ દ્વારા બચાવ અને ક્લિયરિંગ ઓપરેશન ચલાવવા માટે અનેક એમ્બ્યુલન્સ અને હેવી મશીનરી મોકલવામાં આવી હતી. ગ્રાઉન્ડ સ્ટાફે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડતા પહેલાં તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી.
પાલિકા સંચાલિત લેડી રીડિંગ હોસ્પિટલ (Lady Reading Hospital - LRH) ના પ્રવક્તા મુહમ્મદ આસિમ (Muhammad Asim)એ પુષ્ટિ કરી છે કે ઘાયલોની સારવાર માટે ટ્રોમા વોર્ડમાં કટોકટી (ઈમરજન્સી) જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ ૧૭ વિદ્યાર્થીઓ અને એક મહિલા શિક્ષિકાના મૃતદેહ સ્વીકાર્યા હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે ૨૫ થી વધુ ઈજાગ્રસ્ત બાળકો હજી પણ તબીબી દેખરેખ હેઠળ દાખલ છે, જેમાંથી અનેકની હાલત ગંભીર છે.
છત ધરાશાયી થયાનો જોરદાર અવાજ સાંભળતા જ ગભરાયેલા વાલીઓ અને સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કોંક્રીટના બ્લોક્સ, લોખંડના સળિયા તથા લાકડાના બીમ જાતે જ હટાવીને બચાવ કામગીરીમાં રેસ્ક્યુ વર્કર્સને મદદ કરી હતી. કેપિટલ સિટી પોલીસ ઓફિસર (Capital City Police Officer - CCPO) મિયાં સઈદ (Mian Saeed)એ જણાવ્યું હતું કે હેવી મશીનરી અને સ્પેશિયાલાઈઝ્ડ સર્ચ સાધનો સરળતાથી પહોંચી શકે તે માટે પોલીસ ટીમોએ સાંકડી ગલીને કોર્ડન કરી લીધી હતી.
ઈમરજન્સી રિસ્પોન્ડર્સે કાટમાળ નીચે ફસાયેલા કોઈપણ સંભવિત જીવિત વ્યક્તિને શોધવા માટે સ્નિફર ડોગ્સ (શ્વાન દસ્તા) અને હાઈડ્રોલિક ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગનો કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે, છતાં કોઈ પીડિત દબાયેલો ન રહી જાય તેની ખાતરી કરવા માટે તકનીકી શોધખોળ ચાલુ છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નબળી બાંધકામ ગુણવત્તા, સબ-સ્ટાન્ડર્ડ મટીરિયલ્સ અને માળખાકીય ખામીઓને કારણે આ છત ધરાશાયી થઈ હતી. પાકિસ્તાનમાં સુરક્ષા નિયમો અને મ્યુનિસિપલ કોડ્સના અયોગ્ય અમલીકરણને કારણે મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ (Shehbaz Sharif)એ યુવાન વયના બાળકોના મોતનો ઊંડો શોક વ્યક્ત કરી શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાને પ્રાંતના વહીવટી તંત્રને ઈજાગ્રસ્ત બાળકોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા આદેશ આપ્યો છે અને આ દુર્ઘટના માટે જવાબદારી નક્કી કરવા માટે વ્યાપક તપાસના આદેશ પણ આપ્યા છે.