...તો ભારત અને અમેરિકાના સંબંધો પર અસર થઈ શકે છે

17 December, 2023 10:00 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પન્નુની હત્યાના કાવતરાના કેસ મામલે ભારતીય અમેરિકન સંસદસભ્યોએ આવી સ્થિતિ સરજાવાની શક્યતા વ્યક્ત કરી

પ્રતીકાત્મક તસવીર

ભારતીય અમેરિકન સંસદસભ્યોએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાના કેસમાં એક ભારતીય વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોને લઈને ખૂબ ચિંતા વ્યક્ત કરી હતી.

આ કેસમાં નિખિલ ગુપ્તા વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોના મામલે બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા ભારતીય અમેરિકન સંસદસભ્યોને એક સીક્રેટ મીટિંગમાં વિગતો આપવામાં આવી હતી.

અમેરિકાની વિનંતી પર જૂનમાં પ્રાગ ઍરપોર્ટ પરથી ગુપ્તાની અટકાયત કરવામાં આવી હતી, જેના બે મહિના પછી તેને અમેરિકાને સોંપવા માટે અમેરિકા તરફથી વિનંતી કરવામાં આવી હતી.

શુક્રવારે આ કેસ વિશે વિગતો આપવા માટેની મીટિંગને અમેરિકાના પ્રતિનિધિઓ અમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા ક્રિષ્નામૂર્તિ અને શ્રી થાનેદારે અટેન્ડ કરી હતી.

તેમણે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘અમે માનીએ છીએ કે અમેરિકા ભારત પાર્ટનરશિપની બન્ને દેશોના લોકોના જીવન પર ખરા અર્થમાં અસરો થઈ છે, પરંતુ અમને ચિંતા છે કે આરોપનામામાં જણાવવામાં આવેલા અપરાધિક કૃત્યને લઈને સર્જાયેલી સ્થિતિને યોગ્ય રીતે હૅન્ડલ કરવામાં નહીં આવે તો એની અમેરિકા અને ભારત વચ્ચેના મહત્ત્વના સંબંધો પર અસર થઈ શકે છે.’

અમેરિકન કૉન્ગ્રેસના મેમ્બર્સે જણાવ્યું છે કે આરોપો ખૂબ જ ચિંતાજનક છે. તેમણે આ મામલે તપાસ કમિટી રચના કરવાના ભારતના નિર્ણયને આવકાર્યો હતો, પરંતુ સાથે જ જણાવ્યું હતું કે ભારતે અમેરિકાને ખાતરી આપવી પડશે કે આવી ઘટના ફરી નહીં બને. 

india united states of america international news