અસીમ મુનીરે મને રાત્રે ૨.૩૦ વાગ્યે ફોન કરીને જગાડ્યો અને કહ્યું, ભારતે નૂર ખાન ઍરબેઝ પર હુમલો કર્યો છે

18 May, 2025 11:48 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કબૂલાત કરી ભારતના હુમલાઓની

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જાહેરમાં સ્વીકાર્યું છે કે ૧૦ મેએ વહેલી સવારે નૂર ખાન ઍરબેઝ સહિત પાકિસ્તાની પ્રદેશ પર ભારતીય મિસાઇલ હુમલા વિશે ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ અસીમ મુનીર તરફથી જાણકારી મળી હતી. આ સંદર્ભમાં એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ વાઇરલ વિડિયોમાં શાહબાઝ શરીફે કહ્યું, ‘જનરલ અસીમ મુનીરે ૯ મેની રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે મને ફોન કરીને હુમલાઓની જાણ કરી હતી. જનરલ મુનીરે કહ્યું હતું કે ભારતે નૂર ખાન ઍરબેઝ પર હુમલો કર્યો હતો. ભારતે એની બૅલિસ્ટિક મિસાઇલો લૉન્ચ કરી છે.’

ઇસ્લામાબાદ નજીક રાવલપિંડીના ચકલાલા ખાતે આવેલું નૂર ખાન ઍરબેઝ પાકિસ્તાન ઍરફોર્સ (PAF) માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઊભું છે. આ ઍરબેઝ PAFના લૉજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન અને વ્યૂહાત્મક ઍરલિફ્ટ કામગીરીનું સંચાલન કરે છે અને VIP ટ્રાન્સપોર્ટ સ્ક્વૉડ્રનનું આયોજન કરે છે જે પાકિસ્તાનના ટોચના નેતૃત્વની હવાઈ મુસાફરી માટે જવાબદાર છે.

pakistan india indian army ind pak tension terror attack international news news world news social media viral videos