12 December, 2025 10:13 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનની નૅશનલ ઍસેમ્બલી
પાકિસ્તાનની નૅશનલ ઍસેમ્બલીમાં સોમવારે એક હાસ્યાસ્પદ ક્ષણ પેદા થઈ. સ્પીકર અયાઝ સાદિકને ઍસેમ્બલીના પરિસરમાંથી જ ૫૦૦૦ પાકિસ્તાની રૂપિયાની ૧૦ નોટો મળી હતી. તેમણે એ રૂપિયા હાથમાં લહેરાવીને બધાને પૂછ્યું, ‘આ રૂપિયા કોના છે? જેના પણ હોય તેઓ કૃપયા હાથ ઊંચો કરે.’
આના જવાબમાં એક ડઝન સંસદસભ્યોએ પોતાનો હાથ ઊંચો કરી દીધો. જ્યારે ડઝન સંસદસભ્યોના હાથ ઊંચા જોયા ત્યારે સ્પીકરે કહ્યું, ‘જેટલા લોકોના હાથ ઊંચા થયા છે એટલા તો રૂપિયા પણ નથી.’
એમ કહીને તેમણે એ રૂપિયા પોતાની પાસે જ રાખી લીધા હતા. આ ઘટના વાઇરલ થતાં પાકિસ્તાની ટીવી-ચૅનલોએ જ આ ઘટનાને વખોડતાં કહ્યું હતું કે ‘જ્યાં બધા જ દગાબાજ અને ભ્રષ્ટ હોય ત્યાં આવું જ થાય. પાકિસ્તાન કેમ કદી સમૃદ્ધ નહીં થઈ શકે એનું કારણ આ છે.’
પાકિસ્તાની ન્યુઝ-ચૅનલ ‘આજ ટીવી’ના કહેવા અનુસાર પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના નેતા મોહમ્મદ ઇકબાલ આફ્રિદી એના અસલી હકદાર હતા અને તેમણે એનો પુરાવો આપીને કાર્યાલયમાંથી એ રકમ મેળવી લીધી હતી.