પાકિસ્તાનના વિદેશપ્રધાને કહ્યું, અમે સંયમ રાખીશું, તનાવ વધવો ન જોઈએ

08 May, 2025 10:42 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ભારતના ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનનું નરમ વલણ

પાકિસ્તાનના વિદેશપ્રધાન ઇશાક ડારે

પાકિસ્તાનના વિદેશપ્રધાન ઇશાક ડારે બૉર્ડર પાર આતંકવાદી ઠેકાણાંઓ પર ભારતની ઍર સ્ટ્રાઇક બાદ બન્ને દેશો વચ્ચે તનાવ ઓછો કરવાની ઇચ્છાના સંકેત આપ્યા છે. ઇશાક ડારે કહ્યું છે કે ‘હું ઓછામાં ઓછા ૨૬ અલગ-અલગ દેશોના પ્રમુખો સાથે વાત કરી ચૂક્યો છું. એ તમામ પ્રમુખોએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બન્નેએ હાલના તનાવને વધવા ન દેવો જોઈએ. અમે તેમને આશ્વાસન આપ્યું છે કે અમે પૂર્ણ સંયમ રાખીશું. અમે ભારતના હુમલાનો અસરકારક રીતે જવાબ આપ્યો છે. જો તેમના તરફથી વધારે આક્રમક પગલું ભરવામાં આવશે તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.’

ભારતના ઑપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભયનો માહોલ, પંજાબ પ્રાંતમાં કટોકટી જાહેર કરવામાં આવી

બુધવારે વહેલી સવારે ઑપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ભારતે આ હુમલો પંજાબ પ્રાંત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં કર્યો હતો.

પંજાબ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે. તમામ જિલ્લાઓના વહીવટી એકમોને અલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત બધા ડૉક્ટરો અને તબીબી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

pakistan india operation sindoor international news news world news