24 August, 2026 02:19 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ટર્કીએ આ વિમાનોનો ઉપયોગ કરીને પાકિસ્તાનને ડ્રોનનો મોટો જથ્થો પહોંચાડ્યો હતો
સાઉદી અરેબિયા અને ટર્કી સાથેના સંરક્ષણકરારની આડમાં પાકિસ્તાન પોતાનો શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. ૧૯થી ૨૧ ઑગસ્ટ વચ્ચે આશરે ૬૦ કલાકના સમયગાળામાં ટર્કીનાં ડઝનબંધ લશ્કરી વિમાનો પાકિસ્તાનના વિવિધ ઍરબેઝ પર ઊતર્યાં હતાં. આ વિમાનોમાં C-130 લશ્કરી પરિવહન વિમાન અને A-400-M જમ્બો લશ્કરી વિમાનનો સમાવેશ થાય છે.
રાવલપિંડીના નૂરખાન ઍરબેઝ અને કરાચીના મસરૂર ઍરબેઝ પર ટર્કીયે C-130 લશ્કરી વિમાનોનો સતત પ્રવાહ ચાલુ હતો. TUAF 526 કોલસાઇન દ્વારા ઓળખાયેલું A-400-M વિમાન મુરીદ ઍરબેઝ પર પહોંચ્યું હતું.
ટર્કીએ આ વિમાનોનો ઉપયોગ કરીને પાકિસ્તાનને ડ્રોનનો મોટો જથ્થો પહોંચાડ્યો હતો. સૅટેલાઇટ ટ્રેકિંગથી તેમની પ્રવૃત્તિઓ છુપાવવા માટે રાત્રિના અંધારામાં ડ્રોન પહોંચાડવામાં આવ્યાં હતાં. ટર્કીથી આવતાં ડ્રોનનો જથ્થો બહાવલપુર અને રાવલપિંડીમાં લશ્કરી સંગ્રહ સુવિધાઓમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે.
પાકિસ્તાને ટર્કી તરફથી અદ્યતન ડ્રોન, મિસાઇલો અને અન્ય સંરક્ષણ સાધનો મેળવ્યાં છે. ટર્કીએ પાકિસ્તાનનાં F-16 ફાઇટર જેટને અપગ્રેડ કરવામાં પણ મદદ કરી છે. મક્કામાં સંરક્ષણકરાર દરમ્યાન પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ટર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તાઇપ એરગૉનને ડ્રોન પૂરાં પાડવા વિનંતી કરી હતી.
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને ટર્કી વચ્ચેના મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર હેઠળ જો એક દેશ પર હુમલો થાય છે તો બાકીના બે દેશો એની સાથે ઊભા રહેશે. આ જ કારણ છે કે એને NATO જેવા લશ્કરી કરાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
બલૂચિસ્તાનમાં મોટા ઑપરેશનની તૈયારી
બલૂચિસ્તાનમાં બળવાખોરોથી ઘેરાયેલા મુનીર હવે એક મોટું લશ્કરી ઑપરેશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ હેતુ માટે લશ્કરી એકમો મોકલવામાં આવી રહ્યા છે. આ ઑપરેશન આગામી ૪૮ કલાકમાં શરૂ થઈ શકે છે.