ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાને ૧૫૦થી વધુ સૈનિકો ગુમાવ્યા

18 August, 2025 06:59 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની મીડિયાએ જાહેર કરીને ડિલીટ કરેલા રિપોર્ટમાં પોલ ખૂલી ગઈ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પાકિસ્તાન ફરી એક વાર પોતાના યુદ્ધક્ષેત્રના નુકસાનના આંકડાને છુપાવતાં પકડાઈ ગયું હતું. સમા ટીવી પર ટૂંકમાં પ્રકાશિત અને ઝડપથી ડિલીટ કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે મે ૨૦૨૫માં ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય હુમલાઓમાં ઇસ્લામાબાદે સ્વીકાર્યું એના કરતાં ઘણી વધુ જાનહાનિ થઈ હતી.

ન્યુઝસાઇટ પરથી હવે હટાવી દેવામાં આવેલા લેખમાં પાકિસ્તાનના પ્રેસિડન્ટ દ્વારા ભારતીય હુમલાઓનો જવાબ આપવા માટેના ઑપરેશન ‘બુન્યાનુન મારસૂસ’ના સૈનિકોને બહાદુરી પુરસ્કારોની યાદી આપવામાં આવી હતી, પરંતુ આ યાદીમાં જે જાણકારી આપવામાં આવી હતી એણે પાકિસ્તાનની પોલ ખોલી દીધી હતી. આ યાદીમાં ઓછામાં ઓછા ૧૫૫ નામ આગળ શહીદ શબ્દ લખેલા હતા, જે દર્શાવે છે કે તેઓ યુદ્ધમાં માર્યા ગયા હતા.

અહેવાલ મુજબ સર્ટિફિકેટ ઑફ ડિસ્ટિંક્શન એટલે કે ઇમ્તિયાઝી સનદના ૧૪૬ પ્રાપ્તકર્તાઓ શહીદ હતા. અન્ય ૪૫ સૈનિકોને તમઘા-એ-બસલાત એનાયત કરવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે અનામત રાખવામાં આવે છે. એમાંથી ૪ મરણોત્તર આપવામાં આવ્યા હતા એટલે કે તે પણ યુદ્ધમાં માર્યા ગયા હતા.

સતત બહાદુરી માટેના ઉચ્ચ મેડલ સિતારા-એ-બસલાતમાં પણ એક શહીદનો સમાવેશ થાય છે.

operation sindoor pakistan international news news world news social media television news