26 May, 2025 11:45 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ખ્વાજા આસિફ
પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે અમેરિકા પર દુનિયાભરમાં યુદ્ધો ભડકાવવાની અને એમાંથી એ શ્રીમંત થયું હોવાની જે ટિપ્પણી કરી છે એ સોશ્યલ મીડિયામાં જોરદાર વાઇરલ થઈ છે અને વિશ્વભરમાં એની તીવ્ર ચર્ચા અને ટીકા થઈ છે.
અમેરિકા એના શસ્ત્રઉદ્યોગને ફાયદો પહોંચાડવા માટે ઇરાદાપૂર્વક વૈશ્વિક સંઘર્ષોને વેગ આપે છે એવો આરોપ લગાવ્યા બાદ ખ્વાજા આસિફે વિવાદ ઊભો કર્યો છે. વાઇરલ વિડિયો-ક્લિપમાં આસિફે અમેરિકા પર છેલ્લી સદીમાં અનેક આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના કેન્દ્રમાં હોવાનો આરોપ લગાવ્યો છે. તેઓ એમ કહી રહ્યા છે કે ‘છેલ્લાં ૧૦૦ વર્ષોમાં અમેરિકનોએ યુદ્ધો પેદા કર્યાં છે. તેઓ ૨૬૦ યુદ્ધ લડ્યા છે, જ્યારે ચીન ફક્ત ત્રણમાં જ સામેલ થયું છે, છતાં પણ અમેરિકા કમાણી કરી રહ્યું છે. એનો લશ્કરીઉદ્યોગ એક વિશાળ, સુસ્થાપિત ક્ષેત્ર છે અને એમની ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો મોટો ભાગ છે. એથી જ અમેરિકા યુદ્ધો સર્જવાનું ચાલુ રાખે છે.’
યુદ્ધમાંથી નફો કરવાનો આરોપ
ખ્વાજા આસિફે અમેરિકન સંરક્ષણ ક્ષેત્રને એક આર્થિક મશીન તરીકે વર્ણવ્યું હતું જે અરાજકતા અને અસ્થિરતા પર ખીલે છે. સિરિયા, ઇજિપ્ત, અફઘાનિસ્તાન અને લિબિયા જેવા દેશોનો ઉલ્લેખ કરતાં આસિફે કહ્યું હતું કે ‘આ રાષ્ટ્રો એક સમયે સમૃદ્ધ હતાં, પરંતુ લાંબાં યુદ્ધોને કારણે તેઓ બરબાદ થઈ ગયાં છે. આ દેશો એક સમયે શ્રીમંત હતા, હવે તેઓ નાદાર છે; જે દર્શાવે છે કે તેમના પતનમાં અમેરિકાની સંડોવણી છે. અમેરિકા એના લશ્કરી-ઔદ્યોગિક સંકુલને નફાકારક રીતે ચલાવવા માટે યુદ્ધોમાં બન્ને બાજુથી રમે છે.’