23 June, 2025 06:55 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
પાકિસ્તાને શુક્રવારે નોબેલ પીસ પ્રાઇઝ માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નામની ભલામણ કરી હતી, પણ આ બાબતે જ્યારે મીડિયાએ તેમની સાથે વાત કરી ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે મને આ પ્રાઇઝ નહીં મળે કારણ કે એ ફક્ત ઉદારમતવાદીઓને જ આપવામાં આવે છે.
મીડિયા સાથે વાત કરતાં ડોનલ્ડ ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે મને શાંતિ માટેનું નોબેલ પીસ પ્રાઇઝ અત્યાર સુધીમાં ચાર-પાંચ વાર મળી જોઈતું હતું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે જગતભરમાં ભારત-પાકિસ્તાન, કૉન્ગો-રવાન્ડા જેવા સંઘર્ષરત ક્ષેત્રોમાં શાંતિ માટે મહત્ત્વના રાજદ્વારી પ્રયાસ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે ‘તેમણે મને રવાન્ડા માટે નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ અને તમે જુઓ તો કૉન્ગો છે, સર્બિયા છે, કોસોવો છે... ઘણાબધા છે. સૌથી મોટું તો ભારત અને પાકિસ્તાન છે. મને ચારથી પાંચ વાર આ પ્રાઇઝ મળવું જોઈતું હતું.’
પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર અમેરિકા જઈને ડોનલ્ડ ટ્રમ્પને મળ્યા એ પછી પાકિસ્તાની સરકારે ૨૦૨૬ના નોબેલ પીસ પ્રાઇઝ માટે સત્તાવાર રીતે ટ્રમ્પના નામની ભલામણ કરી હતી. પાકિસ્તાનના વિદેશમંત્રાલયે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે તાજેતરની ભારત-પાકિસ્તાન ક્રાઇસિસ વખતે નિર્ણયાત્મક રાજદ્વારી હસ્તક્ષેપ અને કેન્દ્રીય નેતૃત્વ બદલ પ્રેસિડન્ટ ડોનલ્ડ જે. ટ્રમ્પ ૨૦૨૬ માટેના નોબેલ પીસ પ્રાઇઝના હકદાર છે.
નવાઈની વાત એ છે કે ભારત અનેક વાર કહી ચૂક્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી એ પછીયે પાકિસ્તાન અને ટ્રમ્પ એ વાતનો કેડો મૂકતાં નથી.
પાકિસ્તાનની જોરદાર ટીકા
પાકિસ્તાને ડોનલ્ડ ટ્રમ્પના નામની ભલામણ નોબેલ પીસ પ્રાઇઝ માટે કરી એ ત્યાંના કેટલાય ઍક્ટિવિસ્ટો અને લેખકોને જચ્યું નથી અને સોશ્યલ મીડિયા પર આ પગલાની જબરદસ્ત ટીકા થઈ રહી છે. ટ્રમ્પ સરકાર ગાઝાના નરસંહારને અને ઇઝરાયલના ઈરાન પરના હુમલાને સપોર્ટ કરે છે એ સંજોગોમાં પાકિસ્તાન સરકાર કઈ રીતે આ પગલું લઈ શકે છે એવા સવાલો થઈ રહ્યા છે.