ભારત અને પાકિસ્તાનના શિમલા કરારમાં શું છે?

27 April, 2025 02:47 PM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

ભારતે સિંધુ જળકરાર સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી એના પગલે પાકિસ્તાન દ્વારા શિમલા કરાર સસ્પેન્ડ કરવામાં આવ્યો

શિમલા શહેરમાં ૧૯૭૨ની ૩ જુલાઈએ રાત્રે ૧૨.૪૦ વાગ્યે કરાર પર હસ્તાક્ષર થયા હતા

ભારતે સિંધુ જળકરાર સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી એના પગલે પાકિસ્તાન દ્વારા શિમલા કરાર સસ્પેન્ડ કરવામાં આવ્યો:  ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ બંગલાદેશનું નિર્માણ થયું, ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ બેઉ દેશો વચ્ચેના સંઘર્ષનો અંત લાવવા અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવા શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળકરાર સસ્પેન્ડ કર્યા એટલે પાકિસ્તાને પણ ૧૯૭૨માં બેઉ દેશો વચ્ચે થયેલા શિમલા કરારને સસ્પેન્ડ કરી દીધો છે. પાકિસ્તાને કહ્યું છે કે શિમલા કરાર સહિત ભારત સાથે કરવામાં આવેલા બીજા તમામ દ્વિપક્ષીય કરારને સસ્પેન્ડ કરવાનો અધિકાર પાકિસ્તાન પણ રાખે છે. આ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે નિર્ણાયક યુદ્ધ બાદ શાંતિ સ્થાપિત કરવા માટે ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના પ્રેસિડન્ટ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલા શહેરમાં કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન શું કરશે?

જો શિમલા કરાર રદ થાય તો પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવી શકે એમ છે. LoC પર સંઘર્ષવિરામની સ્થિતિ અને શાંતિ ભંગ થઈ શકે છે. આથી ભારતીય સેનાએ હાઈ અલર્ટ પર રહેવું પડશે. જોકે જો કરાર રદ થાય તો LoC માનવા માટે કોઈ પણ દેશ બાધ્ય નહીં રહે અને આવી પરિસ્થિતિમાં ભારત LoC પર કોઈ પણ સૈન્ય કાર્યવાહી કરી શકે એમ છે.

૧૯૭૧નું યુદ્ધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલું યુદ્ધ પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બંગલાદેશની આઝાદીને લઈને થયું હતું. પાકિસ્તાનની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં ઘણા અત્યાચારો કર્યા અને લાખો લોકોને ભારતમાં શરણ લેવું પડ્યું એટલે ભારતે હસ્તક્ષેપ કર્યો અને પાકિસ્તાનના વિરોધમાં સૈન્ય કાર્યવાહી કરી હતી.

૯૩,૦૦૦ સૈનિકોનું આત્મસમર્પણ

આ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી. પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોએ ભારતીય જવાનોની સામે આત્મસમર્પણ કર્યું હતું. એક નવો દેશ બંગલાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. ભારત આ પ્રસંગે પાકિસ્તાન પર ભારે શરતો થોપી શકે એમ હતું, પાકિસ્તાનની જેલોમાં રહેલા એના સૈનિકોની માગણી કરી શકતું હતું; પણ એથી વિપરીત ભારતે શાંતિ અને સ્થિરતાને પ્રાધાન્ય આપ્યું અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિને ભારત બોલાવ્યા અને શિમલા કરાર થયા.

રાત્રે ૧૨.૪૦ વાગ્યે હસ્તાક્ષર થયા

શિમલા શહેરમાં ૧૯૭૨ની ૩ જુલાઈએ રાત્રે ૧૨.૪૦ વાગ્યે કરાર પર હસ્તાક્ષર થયા હતા. એ સમયે પેન પણ એક પત્રકાર પાસેથી માગવામાં આવી હતી. ભુટ્ટોની દીકરી બેનઝીર પણ આ કરાર થયા ત્યારે શિમલામાં હાજર હતી. આ એ જ મહિલા હતી જેણે પછી ઘાસની રોટી ખાઈને પણ ભારત સાથે હજારો વર્ષ સુધીw યુદ્ધ કરવાના કસમ ખાધા હતા.

મુખ્ય શરતો
 ભારત અને પાકિસ્તાન એમના આપસી વિવાદોનો ઉકેલ વાતચીતના માધ્યમથી કાઢશે. તેઓ અમેરિકા કે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર નહીં કરે. આ ભારતની રાજદ્વારી જીત હતી, કારણ કે પાકિસ્તાન વારંવાર આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરતું હતું.
 બેઉ દેશો એકબીજા સામે હિંસા કે સૈન્યનો પ્રયોગ નહીં કરે અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવશે.
 ૧૯૭૧ના યુદ્ધ બાદની સ્થિતિ અનુસાર બેઉ દેશો વચ્ચે એક નવી લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નિર્ધારિત કરવામાં આવી. આ રેખાને બેઉ દેશોએ માન્યતા આપી અને આજે પણ આ LoC બેઉ દેશોની સીમાને પરિભાષિત કરે છે.
 ભારતે આશરે ૯૩,૦૦૦ યુદ્ધબંધીઓને કોઈ પણ વધારાની શરત વિના છોડી દીધા હતા. આ સિવાય યુદ્ધ સમયે ભારતે પાકિસ્તાનની જે જમીન પર કબજો મેળવ્યો હતો એ પાકિસ્તાનને પાછો સોંપી દીધો હતો. આના કારણે દુનિયામાં ભારતની છબિ વધારે મજબૂત બની હતી.

પાકિસ્તાન જ વારંવાર કરાર તોડે છે
પાકિસ્તાને શિમલા કરારમાં જે શરતો માની હતી એનું એ વારંવાર ઉલ્લંઘન કરે છે. એ વારંવાર LoCનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કરે છે, આતંકવાદીઓને ભારતમાં ઘુસાડે છે અને પ્રૉક્સી વૉર લડે છે. એણે કાશ્મીરનો મુદ્દો ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રીઝમાં ઉઠાવ્યો હતો. એ ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરના મુદ્દે ખોટી જાણકારી આપે છે અને દરેક વખતે એ ખોટું સાબિત થાય છે. ૧૯૯૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે દિલ્હીથી લાહોરની બસ-સર્વિસ શરૂ કરવામાં આવી હતી, પણ એ જ વર્ષે પાકિસ્તાને કારગિલમાં યુદ્ધનો આરંભ કર્યો હતો.

૧૯૪૮ના જનમતસંગ્રહના પ્રસ્તાવને ઉડાડી દીધો
કાશ્મીરના મુદ્દે ૧૯૪૮માં યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદે એક પ્રસ્તાવ મંજૂર કર્યો હતો જેમાં કાશ્મીરમાં જનમતસંગ્રહ કરાવવાનો ઉલ્લેખ હતો. ૧૯૭૨માં શિમલા કરાર બાદ પાકિસ્તાને એને દ્વિપક્ષીય મુદ્દે સ્વીકાર્યો હોવાથી આ પ્રસ્તાવની પ્રાસંગિકતાને સમાપ્ત કરી દેવામાં આવી. એને કારણે ભારત આ મુદ્દે યુનાઇટેડ નેશન્સના હસ્તક્ષેપને નકારે છે.

પાકિસ્તાનના ગૃહપ્રધાનની ખોખલી ધમકી : જો ભારત સિંધુ જળ સંધિ ખતમ કરશે તો અમે યુદ્ધ માટે તૈયાર

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણાં કડક પગલાં લીધાં છે, જેમાં સિંધુ જળ સંધિ અટકાવવાનો પણ સમાવેશ છે. એનાથી પાકિસ્તાન ગુસ્સે થઈને સતત ધમકીઓ આપી રહ્યું છે ત્યારે હવે પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ભારત સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે સમાપ્ત કરી શકે નહીં, કારણ કે આ સંધિની ગૅરન્ટી આપનાર વિશ્વ બૅન્ક છે. જો આવું કોઈ પગલું ભરવામાં આવશે તો પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર છે.’

international news world news Pahalgam Terror Attack terror attack india