20 March, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈરાનના કોન્સ્યુલેટ જનરલના કોન્સ્યુલ જનરલ સૈયદ રેઝા મોસાયેબ મોટલાગ
મુંબઈમાં ઈરાનના કોન્સ્યુલેટ જનરલના કોન્સ્યુલ જનરલ સૈયદ રેઝા મોસાયેબ મોટલાગે શુક્રવારે જણાવ્યું હતું કે તેહરાને ભારતમાં LPG કટોકટી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતને ‘મિત્ર અને પાર્ટનર’ ગણાવતા, તેમણે નોંધ્યું કે સંઘર્ષ જેવી પરિસ્થિતિ હોવા છતાં, ઈરાને ભારતના ગૅસ વહન કરતા જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કર્યો છે. IANS સાથે વાત કરતા, તેમણે કહ્યું, "ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાને શરૂઆતથી જ દર્શાવ્યું છે કે તે ભારતનો મિત્ર અને ભાગીદાર છે. મુંબઈમાં કોન્સ્યુલ જનરલ તરીકે, જ્યારે મેં લોકોને ગૅસની અછતનો સામનો કરતા જોયા, ત્યારે મને ખૂબ ચિંતા થઈ."
તેમણે વધુમાં ઉમેર્યું, "જેમ તમે જાણો છો, યુદ્ધ ક્ષેત્ર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, અને ગૅસ વહન કરતા જહાજો સ્વાભાવિક જોખમોનો સામનો કરે છે. નાની અથડામણ પણ ગંભીર પરિણામો તરફ દોરી શકે છે. જોકે, ભગવાનની કૃપાથી, ઈરાન સલામત માર્ગ પૂરો પાડવામાં સફળ રહ્યું, જેના કારણે આ જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા. આ ભારત સાથેની આપણી મિત્રતાની ઊંડાઈને દર્શાવે છે."
આ દરમિયાન, ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઑઇલ ટૅન્કર જગ લાડકી ગુજરાતમાં પહોંચ્યું, જેમાં આશરે ૮૦,૮૮૬ મૅટ્રિક ટન ક્રૂડ ઑઇલ હતું. આ પહેલા, LPG ટૅન્કર શિવાલિક, સંઘર્ષગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું. આ ટૅન્કર કતારથી આશરે ૪૦,૦૦૦ મેટ્રિક ટન રાંધણ ગૅસ લઈને પહોંચ્યું હતું. આ પુરવઠો એવા સમયે પહોંચ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારત LPGની અછત અનુભવી રહ્યું છે. સરકારી માહિતી અનુસાર, હાલમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં આવેલા પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં ૨૨ ભારતીય ધ્વજવાળા જહાજો હાજર છે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે, જે તેની કુલ તેલ જરૂરિયાતોના આશરે ૮૮ ટકા વિદેશમાંથી મેળવે છે. આ દેશ દરરોજ આશરે ૫.૮ મિલિયન બૅરલ તેલનો વપરાશ કરે છે, જેમાંથી ૨.૫ થી ૨.૭ મિલિયન બૅરલ પશ્ચિમ એશિયાઈ દેશો જેમ કે સાઉદી અરેબિયા, ઇરાક અને સંયુક્ત આરબ અમીરાતમાંથી આયાત કરવામાં આવે છે. આ પુરવઠો મુખ્યત્વે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થાય છે. વધુમાં, ભારતના આશરે ૫૫ ટકા એલપીજી અને ૩૦ ટકા એલએનજી પુરવઠા પણ આ માર્ગમાંથી પસાર થાય છે, જેનો ઉપયોગ વીજ ઉત્પાદન, ખાતરો, સીએનજી અને ઘરેલું રસોઈ ગૅસ માટે થાય છે.