સ્કૂલ-બસને આલીશાન પેન્ટહાઉસમાં ફેરવી દીધી

22 March, 2021 09:47 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્ક શહેરમાં કોસ્ટગાર્ડના ભૂતપૂર્વ જવાને એક સ્કૂલ-બસને સરસ રહેવાલાયક લક્ઝુરિયસ હોમ બનાવવાની મહેનત રોગચાળાના લૉકડાઉન દરમ્યાન કરી હતી.

બસ

કોરોનાના રોગચાળા દરમ્યાન લૉકડાઉનની નવરાશમાં ક્રીએટિવિટીનાં અનેક ઉદાહરણ પ્રસાર માધ્યમો દ્વારા તથા અન્ય રીતે આપણી જાણકારીમાં આવ્યાં છે. એમાં વધુ એક રસપ્રદ ઘટનાનો ઉમેરો થયો છે. ન્યુ યૉર્ક શહેરમાં કોસ્ટગાર્ડના ભૂતપૂર્વ જવાને એક સ્કૂલ-બસને સરસ રહેવાલાયક લક્ઝુરિયસ હોમ બનાવવાની મહેનત રોગચાળાના લૉકડાઉન દરમ્યાન કરી હતી.

ક્રૅગ ગોર્ડિનેર નામના કોસ્ટગાર્ડના ભૂતપૂર્વ જવાને ૨૦૨૦ના મે મહિનામાં ૧૫,૦૦૦ ડૉલર (અંદાજે ૧૧ લાખ રૂપિયા)ના ખર્ચે એક સ્કૂલ-બસ ખરીદી અને એમાં ૪૦,૦૦૦ ડૉલર (અંદાજે ૨૯ લાખ રૂપિયા)ના ખર્ચે સુધારા-વધારા કરીને ઠાઠમાઠભર્યું લક્ઝુરિયસ હોમ બનાવ્યું. એ હરતાફરતા પેન્ટહાઉસ તરીકે તથા એમાં અનેક પ્રકારની આધુનિક સિસ્ટમ્સ હોવાથી મૉડર્ન સ્ટુડિયો અપાર્ટમેન્ટ તરીકે પણ ઓળખાય છે. જોકે એને ‘મૅન્શન ઑન વ્હીલ્સ’નું સરસ નામ પણ આપવામાં આવ્યું છે. એમાં અદ્યતન કિચન, શાવર-બાથરૂમ, બેડરૂમ, લિવિંગરૂમ વગેરેની વ્યવસ્થા છે. ગોર્ડિનેર આ ‘મૅન્શન ઑન વ્હીલ્સ’ને ન્યુ યૉર્ક ઉપરાંત એરિઝોના, ટેનેસી અને ટેક્સસ જેવા અન્ય પ્રાંતોનો પણ પ્રવાસ કરાવવા ઇચ્છે છે.

offbeat news hatke news new york