✕

મારો પગ લપસ્યો, મને માફ કરો

10 November, 2026 09:36 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

અમે‌રિકાની ટોચની AI અને ‌ચિપ-મૅન્યુફૅક્ચરર કંપની એ‌ન્વિ‌ડિયાના બૉસની ચોંકાવનારી કબૂલાત

અૅ‌‌લિસ હૂવાંગ સાથે જેન્સન હૂવાંગ.

દુનિયાની અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ચિપ નિર્માતા કંપની એ‌ન્વિ‌ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેન્સન હૂવાંગ એક મોટા વિવાદમાં ફસાયા છે. અમેરિકન જાસૂસી સંસ્થાઓને શંકા છે કે ચીનની જાસૂસ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ ઍલિસ હૂવાંગે ‘હનીટ્રૅપ’માં ફસાવીને જેન્સન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધો મારફતે ચીન AI ઇન્ડસ્ટ્રીના સંવેદનશીલ નિર્ણયોને પ્રભાવિત કરવા અને ગોપનીય ડેટા ચોરવા માગતું હતું. જેન્સને પણ પોતાનાં પત્ની, બાળકો, પ‌રિવાર અને કર્મચારીઓની માફી માગીને લગ્નજીવન બહારના સંબંધોની વાત સ્વીકારી હતી. આ મામલે કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. જોકે ચીને આ સમગ્ર વિવાદને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો હતો. જોકે સમગ્ર ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યા બાદ ચકચાર મચી ગઈ હતી. 

ચીની યુવતી ઍલિસ કોણ છે?
ચીની નાગરિક ઍલિસ હૂવાંગ સિંગાપોર સ્થિત કંપની મેગાસ્પીડમાં ઉચ્ચ અધિકારી છે. ટેક્નૉલૉજી ક્ષેત્રમાં આવતાં પહેલાં તેણે ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV) અને હુનાન ટીવીમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. મેગાસ્પીડ કંપની એ‌ન્વિ‌ડિયાના એશિયા-પૅસિફિક ક્લાઉડ બિઝનેસની મુખ્ય ભાગીદાર છે અને AI ટ્રેઇનિંગ માટે કમ્પ્યુટિંગ પાવર ભાડે આપે છે. જૂન ૨૦૨૪ અને મે ૨૦૨૫ માં તાઇપેઇમાં યોજાયેલા કાર્યક્રમોમાં ઍલિસ અને જેન્સન હૂવાંગ અત્યંત નિકટ જોવા મળ્યાં હતાં.

મેગાસ્પીડ પર શું છે આરોપ?
અમેરિકન એજન્સીઓની રડાર પર મેગાસ્પીડ કંપની ૨૦૨૪થી જ હતી. શંકા છે કે અમેરિકાએ ચીન પર જે અત્યાધુનિક AI ચિપ્સના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે એ ચિપ્સ મેગાસ્પીડ પાછલા બારણે ચીન સુધી પહોંચાડી રહી હતી. રિપોર્ટ્સ મુજબ મેગાસ્પીડે છેલ્લાં બે વર્ષમાં એ‌ન્વિ‌ડિયા પાસેથી ૪૦૩ અબજ રૂપિયા (૪.૮ અબજ ડૉલર)ની કિંમતની ચિપ્સ ખરીદી હતી. સિંગાપોર સરકારે પણ આ મામલે ૨૦૨૫માં ઍલિસની પૂછપરછ કરી હતી.

ચીને આરોપો ફગાવ્યા
ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને અમેરિકન એજન્સીઓના હનીટ્રૅપના આ દાવાઓને ફગાવી દીધા હતા. ચીને સ્પષ્ટતા કરી હતી કે આ સંપૂર્ણ ઘટનાક્રમ પાયાવિહોણો છે અને ચીનને બદનામ કરવાનું આ એક મોટું કાવતરું છે.

પત્ની છૂટાછેડા લે તો ૭.૬૦ લાખ કરોડ રૂ‌પિયા મળશે
જેન્સન હૂવાંગે પોતાની પત્ની લૉરી હૂવાંગ સાથે બેવફાઈ કર્યાનો જાહેરમાં સ્વીકાર કર્યા પછી સૌથી વધુ ચર્ચા તેમના ‌ડિવૉર્સ અને સંપ‌ત્તિ ‌વિશે થઈ રહી છે.
કૅલિફોર્નિયાના કાયદા મુજબ લગ્ન પછી ઊભી થયેલી સંપત્તિ છૂટાછેડા વખતે પતિ-પત્ની વચ્ચે અડધી-અડધી વહેંચાય છે. જેન્સન અને લૉરીએ ૧૯૮૫માં લગ્ન કર્યાં હતાં અને એ‌ન્વિ‌ડિયાની સ્થાપના ૧૯૯૩માં થઈ હતી. આથી બન્ને વચ્ચે લગ્ન પૂર્વેનો કોઈ જ કરાર લાગુ પડતો નથી. જેન્સેનની કુલ સંપત્તિ આશરે ૧૫.૨૦ લાખ કરોડથી ૧૮.૫૨ લાખ કરોડ રૂપિયા (૧૬૦થી ૧૯૫ અબજ ડૉલર) હોવાનો અંદાજ છે. જો આ વિવાદ છૂટાછેડામાં પરિણમે તો કાયદા મુજબ લૉરી હૂવાંગને ૭.૬૦ લાખ કરોડ રૂપિયા (૮૦ અબજ ડૉલર) કરતાં પણ વધુ રકમ મળી શકે છે. આ પારિવારિક વિવાદની સીધી અસર તેમનાં બાળકો પર પણ પડી છે.

international news world news united states of america china ai artificial intelligence