યમનમાં ૧૬ જુલાઈએ ભારતીય નર્સને થશે મૃત્યુદંડની સજા

13 July, 2025 10:57 AM IST  |  Sanaa | Gujarati Mid-day Correspondent

જેની હત્યા થઈ હતી તેનો પરિવાર માફી આપે અથવા વળતરરૂપે ૮.૬ કરોડ રૂપિયા સ્વીકારવા તૈયાર થાય તો જ છુટકારો

નિમિષા પ્રિયા

યમનમાં એક પુરુષની હત્યા કરવાના આરોપસર મૃત્યુદંડની સજા ભોગવી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની જિંદગી બચાવવા માટે એકમાત્ર આશા યમનના પરિવારની માફી છે. તેની ફાંસીની સજાની તારીખ ૧૬ જુલાઈ નક્કી કરવામાં આવી છે. ભારતીય નર્સને બચાવવા માટે સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ રચવામાં આવી છે અને આ કાઉન્સિલ યમનના પુરુષના પરિવારને બ્લડ-મની તરીકે ૧૦ લાખ ડૉલર (આશરે ૮.૬ કરોડ રૂપિયા) આપવા તૈયાર છે. પ્રિયા જેલમાં મેડિકલ પ્રોફેશનલ તરીકે સેવા આપી રહી છે, તેના સાથી કેદીઓને મદદ કરી રહી છે.

૨૦૦૮માં યમન ગયેલી આ નર્સે ઘણી હૉસ્પિટલોમાં કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું અને સ્થાનિક નિયમો મુજબ ૩૭ વર્ષના યમનના નાગરિક તલાલ અબ્દો મેહદીને પાર્ટનર તરીકે રાખીને વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે મેહદી તેને બહુ  હેરાન કરતો હતો અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો. ૨૦૧૭માં પાસપોર્ટ લેવા માટે પ્રિયાએ તેને બેહોશ કરવાનું ઇન્જેક્શન આપી દીધું હતું પણ ઓવરડોઝને કારણે મેહદીનું મૃત્યુ થયું હતું અને આ કેસમાં પ્રિયાને ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી.

હવે નિમિષા પ્રિયાને બચાવવાની એકમાત્ર આશા એ છે કે જીવ ગુમાવનારા યમની પુરુષનો પરિવાર નિમિષાને માફ કરે અથવા ૮.૬ કરોડ રૂપિયાનો સ્વીકાર કરે.

murder case crime news yemen india Rape Case ministry of external affairs international news news