19 January, 2026 10:32 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળનું દૃશ્ય
પાકિસ્તાનના કરાચીમાં આવેલા ગુલ પ્લાઝા શૉપિંગ મૉલમાં શનિવારે રાતે લગભગ ૧૦.૪૫ વાગ્યે અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં જોતજોતાંમાં આખો મૉલ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગી હતી અને એની જ્વાળાઓને કારણે પહેલો અને બીજો માળ પણ આગની લપેટમાં આવી ગયો હતો. ફાયર-ફાઇટર્સની ટીમને આગ કાબૂમાં લેતાં લગભગ ૧૬ કલાક લાગ્યા હતા. જોકે એ પછી ઇમારતમાં તિરાડો પડી જતાં બિલ્ડિંગ ગમે ત્યારે ધસી પડે એવો ભય ઊભો થયો છે. આગમાં એક ફાયર-ફાઇટર સહિત કુલ ૬ લોકો મૃત્યુ પામ્યા હતા.
ચેસ ટુર્નામેન્ટના વેન્યુના ગેટની બહાર ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટોના ગ્રુપે ૨૦૨૫ કિલો કોલસો ખડકી દીધો
નેધરલૅન્ડ્સમાં આયોજિત તાતા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટના વેન્યુ પર એક એવી ઘટના બની જે ચેસ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ક્યારેય નથી બની. ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટોએ ૨૦૨૫ કિલો કોલસો વેન્યુના ગેટ પર ફેંકી દીધો હતો હતો. એને કારણે ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ નિર્ધારિત સમયથી ૯૦ મિનિટ બાદ શરૂ થયો હતો. ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટોએ આ કોલસાના ઢગલા પાસે બેસીને તાતા સ્ટીલની પર્યાવરણીય અસર અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટોના બૅનર પર લખ્યું હતું કે મૃત ગ્રહ પર ચેસ નહીં. તેમનું માનવું છે કે ૨૦૨૫માં તાતા સ્ટીલ કંપનીએ ક્લાઇમેટ-ન્યુટ્રલ બનવું જોઈતું હતું.
સુલાવેસી ટાપુ પર પર્વતીય પ્રદેશની નજીક ૧૧ લોકો સાથે તૂટી પડેલા વિમાનનો કાટમાળ ઇન્ડોનેશિયન બચાવકર્તાઓને મળી આવ્યો હતો. વાદળછાયા વાતાવરણને લીધે વિમાન ક્રૅશ થયું હોવાનું માનવામાં આવે છે. ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પરના યોગ્યકાર્તાથી સાઉથ સુલાવેસી પ્રાંતની રાજધાની મકાસર જઈ રહેલું નાનું વિમાન શનિવારે રડારથી ગાયબ થયું હતું.