ન્યૂઝ શોર્ટમાં: કોલંબિયામાં લૅન્ડિંગ પહેલાં ક્રૅશ થયું વિમાન- સંસદસભ્ય સહિત ૧૫ વ્યક્તિનાં મોત

30 January, 2026 08:59 AM IST  |  Colombia | Gujarati Mid-day Correspondent

કાટમાળની શોધખોળ કરવી અને એમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ-વર્ક અઘરું થઈ પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

કોલંબિયામાં બુધવારથી ગાયબ બીચક્રાફ્ટ ૧૯૦૦નો કાટમાળ ગઈ કાલે સ્થાનિક અધિકારીઓને મળ્યો હતો. વિમાનમાં ૧૩ પ્રવાસીઓ અને બે ક્રૂ-મેમ્બર્સ સવાર હતા અને એમાં કોલંબિયાના સંસદસભ્ય અને આગામી ચૂંટણીના એક ઉમેદવાર પણ હતા. કોલંબિયા અને વેનેઝુએલાની સીમા પાસે ૧૫ જણને લઈ જઈ રહેલા કમર્શિયલ જેટે બુધવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧૧.૪૨ વાગ્યે ઉડાન ભરી હતી. જોકે લૅન્ડિંગની જસ્ટ ૧૧ મિનિટ પહેલાં જ એનો સંપર્ક તૂટી ગયો હતો. ગુરુવારે વિમાનનો કાટમાળ દુર્ગમ પહાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ વિસ્તાર ખરાબ મોસમ અને ઊબડખાબડ પહાડીઓ માટે જાણીતો છે એટલે કાટમાળની શોધખોળ કરવી અને એમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ-વર્ક અઘરું થઈ પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હતા.

વિજય ચોક પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં ત્રણેય સેનાએ કર્યું અદ્ભુત પ્રદર્શન

જવાનોએ ભારતમાતાના નકશાની સાથે ઇંગ્લિશમાં VANDE MATRAM લખેલું વંચાય એવી આકૃતિ તૈયાર કરી હતી.

જવાનોએ ભારતીય ક્રિકેટ-ટીમની વર્લ્ડ કપની જીતની ઉજવણીરૂપે વર્લ્ડ કપની ટ્રોફી અને પાસે બૅટ પડ્યું હોય એવા આકારમાં માનવાકૃતિ સર્જી હતી. 

સેનાના જવાનોએ હિન્દીમાં સિંદૂર લખેલું વંચાય એ રીતે ઊભા રહીને આકૃતિ તૈયાર કરી હતી. 

ગણતંત્ર દિવસથી શરૂ થઈને ૪ દિવસ સુધી ચાલનારી બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીનું ગઈ કાલે દિલ્હીના વિજય ચોક પર સમાપન થયું હતું. આ સમારોહમાં ત્રણેય સેનાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નૅશનલ સૅલ્યુટ કરી હતી. ત્રણેય સેનાઓ સાથે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF)ના બૅન્ડે ભારતીય દેશપ્રેમનાં ગીતોની ધૂનો વગાડીને માહોલને જોમથી ભરી દીધો હતો. એ દરમ્યાન સેનાના જવાનોએ મહાભારત કાળમાં દેવ વ્યૂહ, અર્ધચંદ્ર વ્યૂહ જેવી યુદ્ધ માટેની વ્યૂહરચનાઓ કરવામાં આવતી હતી એનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સેનાએ આ જ વર્ષે રિટાયર થયેલા મિગ-૨૧ વિમાનની આકૃતિ રચી હતી. 

જમીનના વિવાદથી કંટાળીને એક વ્યક્તિએ પનવેલની કોર્ટમાં જ ફિનાઇલ ગટગટાવ્યું

બુધવારે સવારે પનવેલની સિવિલ કોર્ટની અંદર ૫૧ વર્ષની એક વ્યક્તિએ ફિનાઇલ જેવું લિક્વિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સંબંધીઓ સાથે ચાલી રહેલા જમીનના વિવાદથી કંટાળીને આ વ્યક્તિએ અંતિમ પગલું ભર્યું હતું. આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિને તાત્કાલિક પનવેલની સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર બાદ તેની હાલત સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. જોકે આ બનાવને કારણે વકીલો અને કોર્ટના સ્ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ વ્યક્તિનો પરિવારના સભ્યો સાથે જમીનના વિવાદનો સિવિલ કેસ ૨૦૨૨થી પનવેલ કોર્ટમાં ચાલી રહ્યો છે, જેને કારણે કંટાળીને તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

થાણે ક્રાઇમ બ્રાન્ચે ૨૪ કલાકમાં જ હત્યાનો કેસ ઉકેલી નાખ્યો -રાજકોટ અને જૂનાગઢના આરોપીઓ ભાગી જાય એ પહેલાં તેમને ઝડપી લીધા

થાણેમાં બુધવારે થયેલી એક હત્યાનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ૨૪ કલાકમાં ઉકેલી નાખ્યો અને રાજકોટ તથા જૂનાગઢ રહેતા આરોપીઓ ગુજરાત ભાગી જાય એ પહેલાં તેમને ઝડપી લીધા છે.
બુધવારે થાણે પોલીસને એક મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ હત્યાનો કેસ નોંધીને થાણે સિટી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલે તપાસ શરૂ કરી હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે શંકાસ્પદ આરોપીઓને નાયગાવથી ઝડપી લીધા હતા. એક આરોપી રાજકોટ અને બીજો જૂનાગઢ રહે છે. મુંબઈ-અમદાવાદ હાઇવે પર નાયગાવની એક રેસ્ટોરાંમાંથી ગુજરાત જવાનો તેમનો પ્લાન હતો. આરોપીઓની પૂછપરછ બાદ જાણવા મળ્યું હતું કે રાજકોટથી આવેલા આરોપીની ગર્લફ્રેન્ડને થાણેનો એક યુવક હેરાન કરતો હોવાથી ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. તપાસ બાદ આરોપીની ગર્લફ્રેન્ડની પણ ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

આર્થર રોડ જેલની બહાર કાચા કેદીએ કૉન્સ્ટેબલને માર માર્યો

આર્થર રોડ જેલની બહાર એક અન્ડરટ્રાયલ કેદીએ પોલીસ-કૉન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે અન્ડરટ્રાયલ કેદી લોકેશ રાવતે ગુરુવારે બપોરે લોકલ આર્મ્સ ડિવિઝનના કૉન્સ્ટેબલ હરિ વાઘ પર હુમલો કર્યો હતો. પોલીસ એક કેસની સુનાવણી માટે લોકેશને કોર્ટમાં લઈ ગઈ હતી અને જ્યારે તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કેદી અને કૉન્સ્ટેબલ વચ્ચે ઝઘડો થતાં કેદીએ પોલીસ-કૉન્સ્ટેબલને માર માર્યો હતો. કૉન્સ્ટેબલની ફરિયાદને પગલે NM જોશી માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્રમાં આજે ડ્રાય-ડે રહેશે

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં આજે ડ્રાય-ડે જાહેર કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ૩૦ જાન્યુઆરીએ શહીદ દિવસ મનાવવામાં આવે છે જેને પગલે આજે રાજ્યમાં ડ્રાય-ડે રહેશે. આજે દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. વાઇન શૉપ, દારૂની દુકાનો, બાર, પબ, ક્લબ અને રેસ્ટોરાંને આલ્કોહૉલિક ડ્રિન્ક વેચવા અને સર્વ કરવાની મંજૂરી નહીં હોય. 

international news world news plane crash colombia republic day indian army