હવે કૅન્સર આવવાનું હશે તો ત્રણ વર્ષ પહેલાં જ ખબર પડી શકશે, નવી બ્લડ-ટેસ્ટથી

21 June, 2025 12:44 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

MCED ટેસ્ટ તરીકે ઓળખાતી આ પદ્ધતિ અમેરિકાની જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસુઓએ શોધી છે

પ્રતીકાત્મક તસવીર

કૅન્સરની સારવારમાં એક ક્રાન્તિકારી શોધ સાબિત થઈ શકે એવી ટેક્નૉલૉજી શોધવામાં આવી છે. આ એક પ્રકારની બ્લડ-ટેસ્ટ છે જે કૅન્સરનું આગોતરું નિદાન કરી શકે એમ છે. અલબત્ત, એની ટ્રાયલ અત્યારે ચાલી રહી છે, પરંતુ એનાં શરૂઆતનાં પરિણામો ઘણાં આશાસ્પદ છે.

મેડિકલ જર્નલ કૅન્સર ડિસ્કવરીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકોએ લોહીમાં હાજર ત્રણ જનીનમાં થતા બદલાવને ઓળખવાનો એક રસ્તો શોધ્યો છે જે કહી શકશે કે વ્યક્તિને ભવિષ્યમાં કૅન્સર થશે કે નહીં. મલ્ટિ-કૅન્સર અર્લી ડિટેક્શન (MCED) ટેસ્ટ તરીકે ઓળખાતી આ પદ્ધતિ અમેરિકાની જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસુઓએ શોધી છે. રિસર્ચરોનો દાવો છે કે આ ટેસ્ટથી કૅન્સરનાં એંધાણ ૩૬ મહિના પહેલાંથી પણ મળી શકે એમ છે. એમ કરવાથી કૅન્સરના દરદીઓની સારવાર સરળ, ઝડપી અને અસરકારક બની શકે એમ છે. 

MCED ટેસ્ટ શું છે?

આ એક પ્રકારની એક્સપરિમેન્ટલ બ્લડ-ટેસ્ટ છે. લોહીમાં મોજૂદ ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA), રિબૉ ન્યુક્લેઇક ઍસિડ (RNA) અથવા તો ખાસ પ્રકારના પ્રોટીનની તપાસ કરવામાં આવે છે. આ પરીક્ષણમાં એકસાથે અનેક પ્રકારનાં કૅન્સરની ઓળખ થઈ શકે એમ છે, જે અત્યારે થતી ટેસ્ટમાં સંભવ નથી. ટ્રાયલમાં વૈજ્ઞાનિકોએ બાવન લોકોનાં બ્લડ-સૅમ્પલની તપાસ કરી હતી એમાંથી ૨૬ લોકોને છ મહિનાની અંદર કૅન્સર હોવાનું નોંધાયું હતું, જ્યારે ૨૬ સ્વસ્થ લોકો હતા. આ ટેસ્ટમાં કૅન્સરની સંભાવના દેખાય એ દરદીઓમાં ચોક્કસ સમયાંતરે ફૉલો-અપ ટેસ્ટ કરવાથી તેમના શરીરમાં ડેવલપ થઈ રહેલા કૅન્સરના કોષોને એનાં લક્ષણો દેખાવા શરૂ થાય એ પહેલાં જ ટ્રીટ કરવાનું શરૂ થઈ શકે છે.

cancer united states of america international news national news