30 August, 2026 11:41 AM IST | Nepal | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
હજી તો ચાર દિવસ પહેલાં નેપાલમાં ચીન-તિબેટની બોર્ડર પાસે આવેલ મહા વિનાશકારી જળપ્રલય (Nepal Flood) બાદ થયેલ તારાજીની પરિસ્થિતિ તો થાળે પડી નથી ત્યાં ફરીથી ભોટેકોશી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. એકાએક ફરી પાછું નદીનું જળસ્તર વધી જતાં જ સરહદી વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અત્યારે નેપાલના `નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી` અને સ્થાનિક વહીવટીતંત્રે રસુવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાના નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત રહેવા અને અલર્ટ પણ આપી દીધી છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર રસુવા જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે લગભગ ૩ વાગ્યાની આસપાસ ભોટેકોશી નદીમાં પાણીનો પ્રવાહ જાણે એકાએક વધી ગયો હોય એવો ભયાનક અવાજ આવવા લાગ્યો હતો. અવાજ આવ્યા બાદ પાણીનું સ્તર પણ વધી ગયું હોવાના અહેવાલો છે. જોકે, ફ્લડ ફોરકાસ્ટિંગ ડિવિઝનના જણાવ્યા મુજબ હાલ પૂરનો મોટો ભય નથી અને પાણીનો પ્રવાહ ધીમે-ધીમે ઓસરી રહ્યો છે. છતાં પણ ચાર દિવસ પહેલાં આવેલ પૂર બાદની તારાજી જેવા હાલ ફરી ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે કિનારે વસવાટ કરતા લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે અલર્ટ આપવામાં આવી છે.
૨૬ ઓગસ્ટના રોજ આવેલ જળપ્રકોપ (Nepal Flood)માં મૃત્યાંક વધી જ રહ્યો છે. નેપાળ પોલીસના સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં ૬૭૫ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૨,૪૨૬ જેટલા લોકો હજુ પણ મિસિંગ છે. આ વિનાશકારી જળપ્રકોપે માળખાકીય સુવિધાઓ, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ, રસ્તાઓ અને પૂલોને વહેડાવી દીધા છે. આ સાથે જ જણાવી દઈએ કે રસુવા ક્ષેત્રમાં આવેલા એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં આશરે ૬૦૦ લોકો ફસાયેલા છે. જરૂરી સાધનસામગ્રી અને નિષ્ણાત ટીમોની અછતને કારણે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં પણ સમય લાગી રહ્યો છે. જેના કારણે ટનલમાં ફસાયેલા લોકોની સલામતી અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
આ જળપ્રકોપ (Nepal Flood)માં ભારતના પણ ઘણા નાગરિકોને અસર થઇ છે. આંકડા પ્રમાણે ૨૭૫થી વધુ ભારતીય નાગરિકો અને ૧૨૮ ભારતીય મૂળના લોકોની હજી પણ કોઈ ભાળ મળી નથી. જ્યારે આ હોનારતમાંથી ૧૦૮થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ચીનના રસ્તેથી અત્યાર સુધીમાં ૫૯૮ ભારતીયો નેપાળ પહોંચ્યા છે, જ્યારે ચીન તરફ આશરે ૯૦૦ ભારતીયો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
સંકટની (Nepal Flood) આ ક્ષણમાં ભારતે નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. શનિવારે રાત્રે ભારતીય વાયુસેનાના C-130 સુપર હરક્યુલસ વિમાન દ્વારા ૧૧ ટન રાહત સામગ્રી કાઠમંડુ મોકલવામાં આવી છે. આ સામગ્રીમાં ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તકનીકી ટીમ, ડીએનએ (DNA) તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાતો તેમજ તંબુ, પ્લાસ્ટિક શીટ, ધાબળા, સ્લીપિંગ બેગ અને હાઇજીન કિટનો સમાવેશ થાય છે.