સેશેલ્સમાં નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત હિન્દુ મંદિરમાં પૂજા કરી, મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

30 June, 2026 10:55 AM IST  |  Sychelles | Gujarati Mid-day Correspondent

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ૩ દિવસનો સેશેલ્સનો સત્તાવાર પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કરીને સ્વદેશ પાછા ફર્યા છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સમાં

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ૩ દિવસનો સેશેલ્સનો સત્તાવાર પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કરીને સ્વદેશ પાછા ફર્યા છે. તેમના પ્રવાસના અંતિમ ચરણમાં તેમણે સોમવારે સેશેલ્સના વિક્ટોરિયામાં આવેલા પીસ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સોશ્યલ મીડિયા પર એની તસવીરો શૅર કરતાં તેમણે લખ્યું હતું કે ‘બાપુના આદર્શો પેઢીઓથી લોકોને શાંતિ, ન્યાય અને માનવીય ગૌરવની શોધમાં એક કરે છે.’

આ અગાઉ વડા પ્રધાને સેશેલ્સના મુખ્ય હિન્દુ મંદિર અરુલમિગુ નવશક્તિ વિનયાગર મંદિરમાં ગણપતિદાદાની વિધિવત્ પૂજા-અર્ચના કરી હતી અને ભારતીય સંસ્કૃતિના પ્રસાર માટે સ્થાનિક સંગઠનની પ્રશંસા કરી હતી. વડા પ્રધાનના સ્વાગત માટે એકઠા થયેલા પ્રવાસી ભારતીયોએ હાથમાં તિરંગો લઈને જોશભેર ‘મોદી... મોદી...’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
નોંધનીય છે કે સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પૅટ્રિક હર્મિનીના વિશેષ આમંત્રણ પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સની આઝાદીની પચાસમી વર્ષગાંઠની ભવ્ય પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. સ્થાનિક ભારતીય સમુદાયે આ પ્રવાસને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનશે.

સેશેલ્સની નૅશનલ ડે પરેડમાં ગૌરવપૂર્ણ ક્ષણ
સેશેલ્સની આઝાદીની પચાસમી વર્ષગાંઠ પર ગઈ કાલે યોજાયેલી નૅશનલ ડેની ભવ્ય પરેડમાં ઇન્ડિયન નવી અને આસામ રાઇફલ્સની ટુકડી સામે આવતાં જ નરેન્દ્ર મોદીએ ઊભા થઈને સલામી ઝીલી હતી.

international news world news seychelles narendra modi indian government