19 February, 2026 07:53 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
તારિક રહમાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગલાદેશના નવા વડા પ્રધાન તારિક રહમાનને સપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. ઢાકામાં ગઈ કાલે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં હાજરી આપનારા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આમંત્રણ તારિક રહમાનને આપ્યું હતું. ઓમ બિરલાએ વડા પ્રધાનનો પત્ર તારિક રહમાનને સોંપ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું હતું હતું કે ‘બંગલાદેશમાં તાજેતરમાં પૂરી થયેલી સંસદીય ચૂંટણીઓમાં તમારી પાર્ટીની જીત અને બંગલાદેશના વડા પ્રધાન તરીકે તમારી નિમણૂક બદલ હું તમને હાર્દિક અભિનંદન પાઠવું છું. ભારતમાં તમારું ઉષ્માભર્યું સ્વાગત છે.’
નરેન્દ્ર મોદીએ તારિક રહમાન, તેમનાં પત્ની ડૉ. ઝુબૈદા અને તેમની પુત્રી ઝૈમાને પરસ્પર અનુકૂળ સમયે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળે છે.
નરેન્દ્ર મોદી મંગળવારે મુંબઈમાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મૅક્રૉન સાથે વાતચીત કરવાના હોવાથી તેઓ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી શક્યા નહોતા.