નરેન્દ્ર મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઑફ ધ બ્લુ હોરાઇઝનથી નવાજવામાં આવ્યા

29 June, 2026 11:21 AM IST  |  Seychelles | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની સંસદને સંબોધિત કરીને એક નવો ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યો છે.

નરેન્દ્ર મોદીને ગઈ કાલે સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઑફ ધ બ્લુ હોરાઇઝન’થી નવાજતા સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પૅટ્રિક હર્મિની.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સની તેમની ત્રિદિવસીય સત્તાવાર મુલાકાત દરમ્યાન સેશેલ્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગાર્ડિયન ઑફ ધ બ્લુ હોરાઇઝન’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે મળેલો આ પુરસ્કાર નરેન્દ્ર મોદીએ ક્લાઇમેટ ચેન્જ સામે લડી રહેલા તમામ દેશો અને ૧૪૦ કરોડ ભારતીયોને સમર્પિત કર્યો હતો.
આ મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની નૅશનલ ઍસેમ્બ્લીને સંબોધિત કરી હતી. સેશેલ્સના ૫૦મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતાં તેમણે કહ્યું કે ‘હિન્દ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ નથી કરતો, પણ જોડે છે. આ આપણું સંયુક્ત ઘર છે અને એની સુરક્ષા આપણી સહિયારી જવાબદારી છે.’

ભારત-સેશેલ્સ વચ્ચે ૧૯ મહત્ત્વના કરાર

દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જતાં બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, અવકાશ, ડિજિટલ પેમેન્ટ અને સ્વાસ્થ્ય સહિત કુલ ૧૯ કરારો જાહેર કરવામાં આવ્યા છે:
UPI ડિજિટલ પેમેન્ટ: સેશેલ્સમાં ભારતની UPI વ્યવસ્થા લાગુ કરવા માટે MoU કરાયા.
સસ્તી દવાઓ: સેશેલ્સના લોકોને પરવડે તેવી દવાઓ આપવા માટે ‘જન ઔષધિ’ યોજના અંતર્ગત કરાર થયા.
સુરક્ષા: દરિયાઈ ડાકુઓ, ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સામે બન્ને દેશો સાથે મળીને કામ કરશે.

૨૦ દેશની સંસદને સંબોધવાનો અનોખો રેકૉર્ડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની સંસદને સંબોધિત કરીને એક નવો ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યો છે. તેઓ વિશ્વની ૨૦ વિદેશી સંસદોને સંબોધનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા છે. ૨૦૧૪થી શરૂ થયેલી આ સફરમાં તેમણે અમેરિકી કોંગ્રેસ (બે વાર), બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયલની ‘નેસેટ’, નેપાલ, ભુતાન, મોંગોલિયા, અફઘાનિસ્તાન, મૉલદીવ્ઝ, મૉરિશ્યસ, ફિજી અને શ્રીલંકા જેવા પ્રમુખ દેશોની સંસદોને ગજવી છે.

આ ઉપરાંત તેમણે યુગાન્ડા, ગયાના, ઘાના, ત્રિનિદાદ અને ટબૅગો, નામિબિયા તથા ઇથિયોપિયા જેવી આફ્રિકન અને ગ્લોબલ સાઉથના દેશોની સંસદોમાં પણ પ્રવચન આપ્યું છે, જે વૈશ્વિક સ્તરે ભારતના મજબૂત રાજદ્વારી પ્રભાવને દર્શાવે છે.

international news world news narendra modi indian government