23 May, 2026 08:51 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
આ વખતે તમામ ગ્રુપ-એક્સપિડિશન નેપાલના માર્ગેથી જ થયાં હતાં
૨૦૨૬માં માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પર્વતારોહકોએ એક મોટો રેકૉર્ડ સ્થાપિત કર્યો છે. બુધવારે એટલે કે ૨૦ મેએ એક જ દિવસમાં કુલ ૨૭૪ પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યો છે. આ એક દિવસમાં સૌથી વધુ માઉન્ટેનિયર્સ એવરેસ્ટના શિખરે પહોંચ્યા હોવાનો નવો કીર્તિમાન છે. ૨૦૧૯માં એક દિવસમાં ૨૨૩ પર્વતારોહકોએ એવરેસ્ટ સર કર્યો હતો. કહેવાય છે કે આ વર્ષે મોસમ સાફ હોવાથી મોટી સંખ્યામાં પર્વતારોહકો શિખર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આ વર્ષે ચીન તરફના રસ્તેથી એવરેસ્ટનું ચડાણ કરવાની પરવાનગી નહોતી આપવામાં આવી. એને કારણે આ વખતે તમામ ગ્રુપ-એક્સપિડિશન નેપાલના માર્ગેથી જ થયાં હતાં.
નેપાલ સરકારે આ સીઝન માટે પંચાવન દેશોના કુલ ૪૯૪ પર્વતારોહકોને પરમિટ આપી હતી. એમાંથી મોટા ભાગના પર્વતારોહકો ચીનના ૧૦૯ હતા અને ભારતના પર્વતારોહકોની સંખ્યા ૬૧ હતી. આ વખતે કુલ ૧૦૧ મહિલા પર્વતારોહકોએ આ પડકાર ઝીલ્યો હતો. આ વર્ષે ૧૭ મેથી ૨૧ મેની વચ્ચેના પાંચ દિવસમાં બેઝ કૅમ્પથી શિખર સુધીની સફર પૂરી કરવાની હતી. આ માટે પર્વતારોહકો અને શેરપા ગાઇડ મળીને કુલ લગભગ ૧૦૦૦ લોકો શિખર તરફ આગળ વધ્યા હતા.
ચીનનો તિબેટવાળો રૂટ બંધ હોવાથી આ વખતે નેપાલ રૂટ પર લિટરલી ટ્રાફિક જૅમ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. આ સીઝનની શરૂઆતમાં ખુમ્બુ આઇસફૉલમાં રસ્તો તૈયાર કરવામાં અને ચડાણ માટે સહાયક રસ્સીઓ બાંધવામાં સમય લાગ્યો હતો અને પર્વતારોહણ થોડા સમય માટે રોકાયું હતું. જોકે ૧૩ મેએ કામ પૂરું થતાં પર્વતારોહકોની યાત્રા શરૂ થઈ ગઈ હતી.
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ની પહેલી ઑલ-વિમેન પર્વતારોહણની ૪ મહિલાઓની ટીમે ‘મિશન વંદે માતરમ્’ અંતર્ગત એવરેસ્ટ સર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. BSFનું હાલમાં ડાયમન્ડ જ્યુબિલી વર્ષ ઊજવાઈ રહ્યું છે. આ અવસરે પહેલી વાર BSFની પૂરી મહિલા ટીમે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. ટીમની કૉન્સ્ટેબલ કૌસર ફાતિમા (લદ્દાખ), કૉન્સ્ટેબલ મુનમુન ઘોષ (પશ્ચિમ બંગાળ), કૉન્સ્ટેબલ રેબેકા સિંહ (ઉત્તરાખંડ) અને કૉન્સ્ટેબલ ત્સેરિંગ ચોરોલે (કારગિલ)એ ગુરુવારે સવારે ૮ વાગ્યે શિખર સર કર્યું હતું. આ મિશનનો હેતુ હતો ભારતની વિવિધતામાં એકતાની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરીને નારીશક્તિને બિરદાવવાનો. આ ચારેય પર્વતારોહકોએ શિખર પર ચડીને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ગાઈને ૧૫૦મું વર્ષ ઊજવ્યું હતું.
ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ ફોર્સ (ITBP)નું પહેલવહેલું ઑલ-વિમેન ઇન્ટરનૅશનલ એક્સપિડિશન પણ સફળ થયું હતું. આ ટીમે ૨૧ મેએ સવારે ૬.૫૨ વાગ્યે શિખર સર કરીને એક ઐતિહાસિક માઇલસ્ટોન અચીવ કર્યો હતો. આ ટીમમાં મૂળ ૧૧ મહિલા પર્વતારોહકો હતી અને ૩ ટેક્નિકલ અને સપોર્ટ મેમ્બર્સ હતા. ૮૦૦૦ મીટરથી ઉપરના ડેથ ઝોનમાં મહિલા ટીમે ખૂબ હિંમતપૂર્વક ચડાણ કર્યું હતું.
કહેવાય છે કે જો જુસ્સો બુલંદ હોય તો આસમાનની ઊંચાઈ પણ આંબી શકાય છે. આ વાતને સાબિત કરી આપી છે રશિયાના રુસ્તમ નાબિએવ નામના દિવ્યાંગ પર્વતારોહકે. જે કારનામું કરવાનું સાહસ ભલાચંગા માણસો પણ નથી કરી શકતા એ કામ કરવાનું સાહસ રુસ્તમે બન્ને પગ ગુમાવ્યા પછી કર્યું છે. રુસ્તમે કોઈ કૃત્રિમ પગ કે પ્રોસ્થેટિક્સ વાપર્યા વિના માત્ર હાથના સહારે ૮૮૪૮.૮૬ મીટરના એવરેસ્ટનું શિખર સર કર્યું હતું. બર્ફીલા માર્ગમાં એવરેસ્ટ ચડતા રુસ્તમનો વિડિયો વાઇરલ થયો છે એ જોઈને આ સૈનિકના જઝ્બાને સલામ કરવાનું મન થઈ જાય એમ છે.
૨૦૧૫માં એક સૈન્ય બૅરેક અચાનક તૂટી પડવાથી રુસ્તમ એની નીચે દબાઈ ગયો હતો. આ અકસ્માતમાં અનેક સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે કલાકો પછી રુસ્તમને જ્યારે ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો એ પછી તેના સાથળથી નીચેના બન્ને પગ કાપી નાખવા પડ્યા હતા. એ પછી તેણે આખી જિંદગી વ્હીલચૅર પર બેસીને કાપવાને બદલે પહાડો ચડવાનો પડકાર ઝીલ્યો હતો. બુધવારે ૨૦ મેએ સવારે ૮.૧૬ વાગ્યે રુસ્તમે માત્ર હાથના દમ પર એવરેસ્ટ ચડીને શિખર પર રશિયન ધ્વજ ફરકાવ્યો હતો. એવરેસ્ટ ફતેહ કર્યા પછી રુસ્તમે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘હું મારી આ જીત એ સૌને સમર્પિત કરું છું જેઓ મને જોઈ રહ્યા છે. હું દુનિયાને બસ એક જ વાત કહેવા માગું છું છે કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી લડો, કેમ કે આ પ્રયાસ જ સાર્થક છે.’
રુસ્તમે કોઈ પ્રોસ્થેટિક વિના એવરેસ્ટ ફતેહ કરીને એક મોટો રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં ગુરખા સૈનિક હરિ બુદ્ધાએ કૃત્રિમ પગના સહારે એવરેસ્ટ સર કર્યો હતો.
કહેવાય છે કે એવરેસ્ટ ચડવાનું અઘરું તો છે જ, પણ જો તમે ત્યાંથી જીવતા પાછા આવો તો જ એ તમારી શિખર સર કર્યાની સિદ્ધિ કામની છે. શુક્રવારે નેપાલ અભિયાન સંચાલક સંઘના ચીફ સેક્રેટરી ઋષિ ભંડારીએ કહ્યું હતું કે ‘એવરેસ્ટ ઊતરતી વખતે અરુણકુમાર તિવારી અને સંદીપ અરે નામના બે ભારતીય પર્વતારોહકો ખૂબ જ થાકી ગયા હતા. થાકને કારણે તેમનો શ્વાસ ફૂલી રહ્યો હતો. સંદીપ અરેએ બુધવારે અને અરુણ તિવારીએ ગુરુવારે સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે એવરેસ્ટ ફતેહ કર્યો હતો. જોકે ત્યાંથી પાછા ફરતી વખતે અરુણ તિવારીનું મૃત્યુ હિલરી સ્ટેપ પાસે થયું હતું. સંદીપ અરેને શેરપાઓની રેસ્ક્યુ ટીમ કૅમ્પ 2 સુધી લઈ આવી હતી, પરંતુ કૅમ્પ પર પહોંચ્યા પછી તરત જ તેમનું મૃત્યુ થયું હતું.’
આ સીઝનમાં અત્યાર સુધીમાં પાંચ પર્વતારોહકોએ જીવ ગુમાવ્યો હતો. બે ભારતીય ઉપરાંત ત્રણ નેપાલી પર્વતારોહકોએ આ પહેલાં જીવ ગુમાવ્યો હતો.