મેક્સિકન ડ્રગ-લૉર્ડ અલ મેન્ચોનો અમેરિકાની મદદથી ખાતમો

24 February, 2026 12:11 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તેની જાણકારી આપનારને ૧૩૬ કરોડનું ઇનામ જાહેર કર્યું હતું અમેરિકાએ: તેની હત્યાથી વ્યાપક હિંસા ફાટી નીકળી, વાહનોને આગચાંપી, ઍર-સર્વિસને અસર

મેક્સિકોની આર્મીએ મોસ્ટ વૉન્ટેડ ડ્રગમાફિયા અલ મેન્ચોને મારી નાખ્યો એ પછી અનેક રાજ્યોમાં તેના સમર્થકોએ વાહનો સળગાવીને હાઇવે બ્લૉક કરી દીધા હતા અને જનજીવન ખોરવી નાખ્યું હતું.

અમેરિકા સમર્થિત એક લશ્કરી દરોડામાં રવિવારે મેક્સિકોના સૌથી કુખ્યાત ડ્રગ-લૉર્ડ્સમાંના એક નેમેસિયો ઓસેગુએરા ઉર્ફે અલ મેન્ચોને મારી નાખવામાં આવ્યો હતો અને એના પગલે મેક્સિકોમાં વ્યાપક હિંસા ફાટી નીકળી હતી.

મેક્સિકોના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર શક્તિશાળી કાર્ટેલ જલિસ્કો ન્યુ જનરેશન (CJNG)નો માસ્ટરમાઇન્ડ એવો ૬૦ વર્ષનો અલ મેન્ચો મેક્સિકોના પૅસિફિક કિનારે તાપલપા શહેરમાં મેક્સિકન વિશેષ દળો દ્વારા લશ્કરી કાર્યવાહીમાં ઘાયલ થયા બાદ કસ્ટડીમાં મૃત્યુ પામ્યો હતો. અમેરિકાએ આ ઑપરેશન માટે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ પૂરી પાડી હતી. ગયા વર્ષે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે CJNGને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું.

હાઇવે પર નાકાબંધી

અલ મેન્ચોના મૃત્યુના સમાચાર જાહેર થયા બાદ કાર્ટેલના ગુનેગારોએ અડધા ડઝનથી વધુ રાજ્યોમાં વાહનો સળગાવીને હાઇવે પર નાકાબંધી કરી દીધી હતી અને બિઝનેસ હાઉસિસને આગ ચાંપી દીધી હતી, જેને કારણે દેશના કેટલાક ભાગોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું.

વિમાન-સર્વિસ સ્થગિત

જલિસ્કોના લોકપ્રિય બીચ રિસૉર્ટ પ્યુઅર્ટો વલ્લર્ટામાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા દેખાતાં ફરવા આવેલા પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા અને તેમણે સોશ્યલ મીડિયામાં આ વિસ્તારને યુદ્ધ ક્ષેત્ર ગણાવ્યું હતું. ઍર કૅનેડા, યુનાઇટેડ ઍરલાઇન્સ, એરોમેક્સિકો અને અમેરિકન ઍરલાઇન્સે આ વિસ્તારમાં ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી.

પોલીસમાંથી બન્યો કાર્ટેલનો કિંગપિન

અલ મેન્ચો ભૂતપૂર્વ પોલીસ-અધિકારી છે. તેણે CJNGની સ્થાપના કરી હતી અને એનું તે સંચાલન કરતો હતો. દેશના વેસ્ટર્ન પ્રાંતમાં આવેલા જલિસ્કો રાજ્ય નામ પરથી કાર્ટેલનું નામ રાખવામાં આવ્યું હતું અને એમાં મેક્સિકોના સૌથી મોટા એવા એક શહેર ગુઆડાલજારાનો સમાવેશ છે. CJNG મેક્સિકોની સૌથી શક્તિશાળી કાર્ટેલમાંની એક છે, જે બળજબરીથી મજૂરી અને બળજબરીથી ભરતી સહિતની હિંસક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. અમેરિકાએ અલ મેન્ચોની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે ૧૫ મિલ્યન ડૉલર (આશરે ૧૩૬ કરોડ રૂપિયા) સુધીના ઇનામની જાહેરાત કરી હતી.

નાગરિકો પર ડ્રોનથી હુમલા

અલ મેન્ચોના નેતૃત્વ હેઠળની CJNG ક્રૂર ગુનાહિત કંપની જેવી હતી જેમાં ડ્રગ્સની હેરફેરથી લઈને ઈંધણચોરી, ખંડણી, માનવતસ્કરી અને ફાઇનૅન્શિયલ ફ્રૉડનો સમાવેશ છે. કાર્ટેલે એના ઝડપી પ્રાદેશિક વિસ્તરણના ભાગરૂપે પશ્ચિમ મેક્સિકોના દૂરના પ્રદેશોમાં નાગરિકો સામે હુમલાઓમાં ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો હતો.

અમેરિકામાં હેરોઇનની હેરાફેરી

અલ મેન્ચોનો જન્મ ૧૯૬૬માં મિચોઆકનમાં થયો હતો, જ્યાં અફીણ અને ગાંજાની ખેતી સામાન્ય છે. બાળપણમાં તે ખેતમજૂર તરીકે કામ કરતો હતો અને પછી અમેરિકા ગયો હતો, જ્યાં તેને હેરોઇનની હેરાફેરી માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો. કેદ અને દેશનિકાલ પછી તે મેક્સિકો પાછો ફર્યો હતો અને પોલીસમાં જોડાયો હતો. જોકે તે ટૂંક સમયમાં ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હતો.

છ અઠવાડિયાંમાં બે ડઝન પોલીસની હત્યા

અલ મેન્ચો તેની ક્રૂરતા માટે કુખ્યાત હતો. તેની ગૅન્ગ વિરોધીઓને ડરાવવા માટે શિરચ્છેદ જેવી જઘન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરતી હતી. ૨૦૧૫માં તેને પકડવા માટે આવેલા એક લશ્કરી હેલિકૉપ્ટરને રૉકેટ-પાવર્ડ ગ્રેનેડ (RPG) વડે ઉડાવી દીધું હતું, જેથી તે છટકી શકે. એ જ વર્ષે તેની ગૅન્ગે ચેતવણી તરીકે છ અઠવાડિયાંના સમયગાળામાં બે ડઝન પોલીસને મારી નાખ્યા હતા.

મેક્સિકોમાં રહેતા ભારતીય નાગરિકો 

માટે સરકારે ઍડ્વાઇઝરી જાહેર કરી મોસ્ટ વૉન્ટેડ ડ્રગ-લૉર્ડ અલ મેન્ચોની હત્યા બાદ ભારતે મેક્સિકોમાં એના નાગરિકો માટે ઍડ્વાઇઝરી જાહેર કરી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ‘હાલમાં સુરક્ષા સંબંધિત કામગીરીને લીધે રસ્તાઓ પર અવરોધો છે. જલિસ્કો રાજ્ય (પ્યુઅર્ટો વલ્લર્ટા, ચપલા અને ગુઆડાલજારાના વિસ્તારો), તામૌલિપાસ રાજ્ય (રેનોસા અને અન્ય નગરપાલિકાઓના વિસ્તારો), મિચોઆકન રાજ્ય, ગુરેરો રાજ્ય અને નુએવો લિયોન રાજ્યના ભારતીય નાગરિકો આગામી સૂચના સુધી જ્યાં સુરક્ષાદળો કાર્યવાહી કરી રહ્યાં છે એની આસપાસના વિસ્તારોથી દૂર રહો, આશ્રય શોધો અને તમારા આશ્રયસ્થાનની બહાર બિનજરૂરી હિલચાલ ઓછી કરો. કટોકટીની સ્થિતિમાં 911 પર ફોન કરો. પરિવાર અને મિત્રોને તમારા સ્થાન વિશે માહિતગાર રાખો.’

international news world news mexico mexico city Crime News