Ambani Moment: તમને કોઇ કાફેમાં મુકેશ અંબાણી મળી જાય તો તમે શું કરો?

05 September, 2023 04:25 PM IST  |  Linchenstine | Gujarati Mid-day Online Correspondent

Ambani Moment: તમને કોઇ કાફેમાં મુકેશ અંબાણી મળી જાય તો તમે શું કરો?

ડાબેથી જમણે મધુમીતા શર્મા, મુકેશ અંબાણી અને મનુશ્રી વિજય વેર્ગિયા

તમે કલ્પના કરો કે તમે ક્યાંક લટાર મારવા નીકળ્યા હોય કે પછી ક્યાંક બહારગામ ફરવા ગયા હો અને અચાનક જ તમારી કોઇની પર નજર પડે અને તમને તરત ખ્યાલ આવે કે આ માણસ મુકેશ અંબાણી છે તો તમે શું કરો? આ સવાલ વાંચ્યા પછી તમારા મનમાં ઘણા બધા વિચાર આવે એ ચોક્કસ, જેમ કે તમે એને દેશના અર્થતંત્રની માંડીને રિલાયન્સે લૉકડાઉનમાં કેવું જોરદાર ઇનવેસ્ટમેન્ટ મેળવ્યું એની વાત કરી શકો અથવાતો પછી તમે ગુજરાતી હો તો કેમ છો સર એવું કંઇક પુછી લો અથવા તો બહુ ચવાયેલો સવાલ કે આમ ધનાઢ્યના લિસ્ટમાં તમારું નામ આવે છે તો કેવી ફિલિંગ આવે છે, કામ કેવી રીતે મેનેજ કરો છો વગેરે... પણ આ તો તમને વિચારવાનો વખત મળે ત્યારે થનારી ઘટના છે પણ અનાયાસ જ મુકેશ અંબાણી દેખાઇ જાય તો પહેલાં તો તમને વિશ્વાસ ન આવે, વિશ્વાસ આવે તો એમની પાસે જઇને એક ફોટો પાડીએ સાથે એવું પૂછવાની હિંમત ન થાય અને કદાચ એવી હિંમત બંધાય પણ ખરી તો ત્યાં સુધીમાં MDA (Mukesh Dhirubhai Ambani) ત્યાંથી ચાલ્યા ગયા હોય અને પછી તમારી પાસે રહી જાય માત્ર અફસોસ... પણ હમણાં ગણતરીના દિવસો પહેલાં મનુશ્રી વિજયવેર્ગિયા  (Manushree Vijayvergiya)નામની એક યંગ એન્જિનીયર જે ગૂગલમાં કામ કરે છે અને મૂળ અજમેર રાજસ્થાનની છે, તેને એક આવો જ મોકો મળ્યો અને તેણે પોતાના આ અનુભવને બહુ  જ સરસ શબ્દોમાં મિડીયમ ડૉટ કોમના પોતાના પેજ પર ટાંક્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે તેનો સંપર્ક કર્યો અને આ અનુભવ અક્ષરસઃ વાચકો માટે રજૂ કરવાની પરવાનગી માગી અને સ્વાભાવિક રીતે એ પરવાનગી મળી પણ ખરી... હવે મનુશ્રીના શબ્દોમાં જ વાંચીએ કે જ્યારે મનુશ્રીને મુકેશ અંબાણી મળ્યા ત્યારે શું થયું?

ઘણીવાર જિંદગીમાં કેટલીક ક્ષણો એવી આવતી હોય છે જેનો પ્રભાવ બહુ જ ગહેરો હોય છે કારણકે એ ક્ષણો અસાધારણ હોય છે. હું મુકેશ અંબાણી અને તેમની દીકરી ઇશા અંબાણીને લિન્ચેન્સટાઇન (Lichtenstein)ના એક કાફેમાં મળી. જિંદગીમા આવી ક્ષણો વારંવાર નથી આવતી અને માટે જમેં નક્કી કર્યું કે આ ઘટના સાથે સંકળાયેલા દરેક વિચાર, ક્ષણને મારે શબ્દોમાં ડૉક્યુમેન્ટ કરવી જોઇએ.

જેના લીધે આ ઘટના બની ત્યાંથી શરૂઆત કરીએઃ

બન્યું એમ કે શ્રીયુત સુંદર પિછાઇએ અમને અત્યંત બિઝી એવા વર્ષમાં ય શુક્રવારે એક વધારાની રજા આપી. મારા હાથમાં ત્રણ રજાઓ હતી અને મેં બહાર જવાનું નક્કી કર્યું. હું એવી જગ્યાઓ શોધતી હતી જ્યાં હાઇકિંગ થઇ શકે અને એક લિસ્ટ પણ બનાવ્યું. આ દરમિયાન મારી મિત્ર મધુએ સૂચન કર્યું કે લિંન્ચેનસ્ટાઇન જઇએ, એક જ દિવસમાં નવો દેશ જોવાઇ જશે.

વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક છે લિન્ચેન્સ્ટાઇન જે માત્ર 38000 વસ્તી ધરાવતો અને 25 કિલોમિટરમાં વિસ્તરેલો છે અને ઝ્યુરિકથી ત્યાં પહોંચવા માટે માત્ર બે કલાકની ટ્રેનની સફર થાય છે. ત્યાં જવું સરળ છે એ ગણતરીમાં અહીંની મુલાકાત પાછળ ઠેલાતી હતી અને અંતે અમે સવારે 9 વાગ્યે નીકળવાનું નક્કી કર્યું. હવે મેં રાત્રે બેસીને મની હેઇસ્ટનું બિંજ વૉચિંગ કર્યું એટલે સવારે ઉઠાયું નહીં અને અમે બારેક વાગ્યે નીકળ્યા. એ વાત પણ છે કે મને સાથે લઇ જવા માટે આલુ સેન્ડવિચીઝ બનાવવાનો ય સમય નહોતો. સોવેનિયર્સ અને પાસપોર્ટ પર સ્ટેમ્પ મળ્યા ત્યાંથી શરૂઆત થઇ.

 લિન્ચેન્સ્ટાઇન સિટી સેન્ટર વાડૂઝ બસ સ્ટોપથી 500 મીટર દૂર છે એટલે અમે નક્કી કર્યું કે થોડા જાણીતા સ્પોટ્સ જોઇ આવીએ. સરસ સૂર્યપ્રકાશ હતો એટલે 20મિટરના હાઇકિંગ પછી જ્યાં જવાય છે તેવા લિન્ચેન્સ્ટાઇન કેસલ જોયો પછી અમે થાક્યા હતા.

લિન્ચેન્સાટઇન સેન્ટર એકદમ યુરોપિયન સ્ક્વેર જેવું દેખાય છે પણ આટલા નાના દેશમાં છે તો ય અહીં પિઝેરિયા, એક બાર, એક ઘડિયાળનો સ્ટોર વગેરે હતું. અમે થાક્યા હતા એટલે અમે એ દેશમાં આવેલા એક માત્ર અમેરિકન કાફેમાં ગયા જ્યાં થોડો છાંયો અને કોલ્ડ કૉફી બંન્ને મળે. મને લાગે છે કે આ ટિપીકલ ભારતીય પસંદગીને લીધે જે પેલી મોટી અસાધારણ ક્ષણ તરફ અમે વળ્યા.

બહાર ઠંડક થઇ ત્યાં સુધી અમે અમુક કલાકો ત્યાં જ બેઠા. અમારા સિવાય ત્યાં કેટલાક સ્થાનિક લોકો હતો. ચારેક વાગ્યાની આસપાસ અમે ત્યાંથી બહાર જવા ઉભા થયા બરાબર ત્યારે જ મેં સામે મુકેશ અંબાણીને જોયા, વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ (વિશ્વનમાં છઠ્ઠા સ્થાને અને એશિયામાં પહેલા ક્રમાંકે), તેમણે દરવાજો ખોલ્યો અને પાછળ હતી તેમની દીકરી ઇશા અંબાણી. મેં મધુને જરા ઇશારો કર્યો જેનું ધ્યાન બીજે હતું અને એ પણ ચોંકી ગઇ. ઇશાએ એથલિઝર પહેર્યા હતા અને મુકેશ અંબાણીએ સૂટ પહેર્યો હતો.

અમે લોકો એન્ટરન્સ પાસે જ હતા અને મધુ અને હું એવા બે જ જણા હતા (1.35 મિલિયન ભારતીયોમાંથી) જે તરત જ તેમને ઓળખી જાય. તેમને બંન્નેને ત્યાં હાજર રહેલા ભારતીયની હાજરી વિશે ખ્યાલ આવ્યો. ઇશા તો અમારી બાજુમાંથી જપસાર થઇ ગઇ અને હું હજી અચંબામાં હતી અને એમને જોઇ રહી હતી ત્યાં તો મુકેશ અંબાણી અમારી તરફ ફર્યા, આઇ કોન્ટેક્ટ થયો ને તેમણે અમને હેલો કહ્યું...

અમે લોકો તો એવી સ્થિતિમાં હતા કે સમજાતું નહોતું કે અમારે દોડી જઇને સેલિબ્રિટીઝને ફોટો માટે પૂછવું જોઇએ કે કેમ? પણ અમે તરત જ સમજ્યા કે આ જિંદગીમાં એકવાર મળતી તક છે એટલે અમે હિંમત ભેગી કરી અને તેમની પાસે જઇને ફોટો લેવાની પરમિશન માગવાનું નક્કી કર્યું. તેઓ કાફેના કાઉન્ટર પાસે હતા. મધુનું તો મને નથી ખબર પણ હું તો જાણે ધ્રુજતી હતી.

મને એમ કે પિતા-પુત્રીની વાતમાં ખલેલ ન પાડીએ એ જ બહેતર છે. ઇશા બે કૉફીના પૈસા ચુકવી રહી હતી અને તેણે 20 સ્વિસ ફ્રેંકની નોટ કાઢી. બિલ 17 ફ્રેંક થયું હતું અને ટ્રાન્ઝેક્શનમાં સિક્કાની લેવડ દેવડ પણ થઇ. મુકેશ અંબાણીએ તેને કંઇક એવા મતલબનું કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું કે કાર્ડ યુઝ કર. મેં આ તબક્કે બે અસાધારણ રીતે શક્તિશાળી માણસો વચ્ચેની બહુ જ સામાન્ય વાતચીત સાંભળી.

અમે તેમને હેલો તો કહ્યું જ હતું એટલે હવે વિશ્વના સૌથી ધનાઢ્ય માણસ સાથે ઔપચારિકતામાં સમય બગાડવાનો અર્થ નહોતો. તેમણે કૉફી લીધી અને અમે પૂછ્યું કે શું અમે એક ફોટો લઇ શકીએ?

મેં મધુને કેમેરા આપ્યો એટલે અમે એક પછી એક ફોટો પાડી શકીએ પણ આ તબકક્કે ઇશાએ જનરસલી ફોટો પાડી આપવાની ઓફર આપી! એટલું જ નહીં તેમણે કૉફી ટેબલ પર મૂકી અને કહ્યું કે ફોટામાં કૉફી નથી આવવા દેવા. તેમણે ‘અમારા’ ફોટોગ્રાફની આટલી પરવા કરી.

મેં તેમને પૂછ્યું કે તેઓ અહીં કોઇ બિઝનેસ માટે આવ્યા છે કે કેમ ત્યારે તેમણે તેઓ કોઇ એક સ્થળે મોટી ડીલ માટે જઇ રહ્યા છે તેમ કહ્યું, સ્વાભાવિક છે કે હું એ જગ્યાનું નામ અહીં જાહેર નથી કરવાની.

તેમણે તો અમને સામે સવાલ કર્યો કે શું અમે અહીં રહીએ છીએ અને અમને અહીં રહેવાનું કેવું લાગે છે? આનો જવાબ મધુએ આપ્યો, હું તો હજી આશ્ચર્ય ચક્તિ હતી અને મેં માંડ કહ્યું કે, “તમને મળીને અમને બહુ ઓનર્ડ ફીલ થાય છે, થેંક્યુ!” કદાચ આ સાંભળીને જ તેઓ આવું હસ્યા હશે!

તેઓ કાફેની બહાર નીકળ્યા જ્યાં બાકીનો પરિવાર હતો. નીતા અંબાણી ત્યાં પિંક ફૂલ વાળી બોર્ડર વાળો સફેદ કૂર્તો અને લેગિંગ્ઝમાં દેખાયા અને તેમની સાથે માસ્ક પહેરેલો એક લોકલ માણસ હતો જે તેમને ડ્રાઇવર હશે એમ માનું છું.

અમે તેમને જિયો વિશે કે ગૂગલ-એફબી સાથેની તેમની લેટેસ્ટ ડીલ વિશે કે નેક્સ્ટ બીગ પ્લાન વિશે ન પૂછ્યું. અમને તો ઇશાને જિયો કે તેની હમણાં જ ગયેલી એનીવર્સરીનું વિશ કરવાનું પણ ન સૂજ્યું. અમે તેમને ભારતમાં ટેલિકોમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવવા બદલ પણ શુભેચ્છા ન આપી. અરે અમે તેમને કહી શક્યા હોત કે બીજી વાર આ તરફ આવે તો અમે તેમને ચાહ અને પૌંઆ સાથે વેલકમ કરવા તૈયાર છીએ.

આ ટૂંકી મુલાકાતમાં હું ઘણું શીખી.

કોઇ અબજપતિ માટે પણ પિતા-પુત્રીનો સંબંધ એટલો જ સરળ હોય છે. તેઓ પણ ક્યારેક માત્ર કૉફી ખરીદે છે, આખું ગામ નહીં. તેમણે કૉફી લેવા માટે કોઇ ‘હેલ્પ’ને નહોતું કહ્યું અને તેઓ પણ 20 ફ્રાંક્સની નોટ રાખતા હોય છે ને છૂટાની લેવડદેવડ તેમને પણ સમજાય છે.

સૌથી અગત્યનું છે કે તેમણે અમને અમારી વિશે પુછ્યું, અમે કેમ છીએ અને અમને અહીં રહેવું કેવુ લાગે છે. મારી મમ્મી કહે છે કે માણસ જેટલો મોટો એટલો જ નમ્ર, મુકેશ અંબાણી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. ફોટો પડાવતી વખતે કૉફી મગ્ઝ બાજુમાં મૂક્યા એ પણ બહુ મોટું જેશ્ચર હતું. મુકેશ અંબાણીના કપડાં અને વહેવાર બહુ જ સરળ અને સીધા-સાદા હતા.

આ તરફ મારે ઘરે બધા બહુ જ એક્સાઇટેડ હતા, હવે જિંદગી પહેલા જેવી થઇ ગઇ છે પણ આ ક્ષણ હંમેશ માટે અમારી સાથે રહેશે.

હું અંબાણીઝને મળી એ 5મી સપ્ટેમ્બર મારે માટે સ્પેશ્યલ ટીચર્સ ડે રહેશે. અને મધુને તો થેંક્યુ ખરું જ કે એણે આ પ્લાન બનાવ્યો અને હું બે સેલિબ્રિટીઝ સાથે એક ફ્રેમમાં છું.

છેલ્લે એક વાત ખાસ કે કદાચ એક દિવસ આ રીતે હું એસઆરકેને પણ મળીશ, જાદુ થઇ શકે છે, જિંદગી બહુ મોટી શિક્ષક છે. 2020 માટે આટલું બસ.

(મનુશ્રીના બ્લોગનો ગુજરાતી અનુવાદ ચિરંતના ભટ્ટ)

mukesh ambani Isha Ambani europe