ઇકૉનૉમી હાલકડોલક, છતાં રાજ્યાભિષેક માટે ૧૦૨૧.૬૨ કરોડનો ધુમાડો

07 May, 2023 11:01 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ચાર્લ્સ ત્રીજાને ભવ્યાતિભવ્ય સમારોહમાં યુનાઇટેડ કિંગડમના કિંગનો તાજ ઑફિશ્યલી પહેરાવવામાં આવ્યો

રાજ્યાભિષેક સેરેમની બાદ ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી

કિંગ ચાર્લ્સ ત્રીજાને ગઈ કાલે લંડનમાં વેસ્ટમિન્સ્ટર અબે ખાતે શાનદાર, ભવ્યાતિભવ્ય સમારોહમાં યુનાઇટેડ કિંગડમના કિંગનો તાજ ઑફિશ્યલી પહેરાવવામાં આવ્યો હતો. ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન તેમના માથે મૂકવામાં આવ્યો હતો. તેમનાં પત્ની કૅમિલાને પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. યુકેનું ઇકૉનૉમી છેલ્લા કેટલાક સમયથી હાલકડોલક છે. લોકો મોંઘવારીથી પરેશાન છે ત્યારે રાજ્યાભિષેકમાં કરવામાં આવેલા ૧૦૨૧.૬૨ કરોડ રૂપિયાના ખર્ચની લોકોમાં ચર્ચા થઈ રહી છે. સ્વાભાવિક રીતે લોકો પહેલાં જ અત્યારની અને પહેલાંની સરકારોથી નારાજ છે.

સેરેમની દરમ્યાન બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજા

એક જનરેશનમાં સામાન્ય રીતે એક વખત થતી આ રૉયલ ઇવેન્ટના સાક્ષી બનવા માટે અનેક હાઈ પ્રોફાઇલ હસ્તીઓ વરસાદ હોવા છતાં પણ મધ્ય લંડનમાં એકત્ર થઈ હતી. કિંગે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ પોતાના રાજ્યા​ભિષેકમાં મોટેથી પ્રાર્થના કરનારા પ્રથમ રાજા બન્યા હતા. તેમની પ્રાર્થનામાં તેમણે દરેક ધર્મના લોકો માટે ‘આશીર્વાદ’ બનવાની વાત કહી હતી. ઍ​ગ્લિંકન ચર્ચના આધ્યાત્મિક ગુરુ કૅન્ટબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બી દ્વારા પવિત્ર તેલથી તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેક આ સમારોહનો સૌથી પવિત્ર ભાગ ગણાય છે. તેમને સેન્ટ એડવર્ડ્ઝ ક્રાઉન પહેરાવવામાં આવ્યો હતો જે રાજ્યાભિષેકમાં સૌથી મહત્ત્વનો ભાગ ગણાય છે.

બકિંગહૅમ પૅલેસમાં બાલ્કનીમાંથી લોકોનું અભિવાદન ઝીલી રહેલાં કિંગ અને ક્વીન

ક્રાઉન પહેરીને કિંગ સિંહાસન પર બેઠા હતા. ત્યાર બાદ કૅન્ટબરીના આર્ચબિશપે બ્રિટિશના લોકો અને અન્ય દેશોના લોકોને આવકાર્યા હતા અને નવા સમ્રાટ પ્રત્યે નિષ્ઠાની પ્રતિજ્ઞા લેવા જણાવ્યું હતું.  આ વખતે રાજ્યાભિષેકમાં અનેક નવી શરૂઆત થઈ છે; જેમ કે પહેલી વખત મહિલા બિશપ્સ હતાં. એટલું જ નહીં, બ્રિટનમાં બ્રિન-ખ્રિસ્તી ધર્મોના લીડર્સે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હિન્દુ, સિખ, મુસ્લિમ, બૌદ્ધ અને યહૂદી સમુદાયના ધાર્મિક લીડર્સ અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા.

બ્રિટનના વડા પ્રધાન રિશી સુનક

અન્ય એક ચેન્જમાં બાયોડાઇવર્સિટી અને સસ્ટેનિબિલિટીમાં ચાર્લ્સના ઇન્ટરેસ્ટ્સની ઝલક પણ જોવા મળી હતી. જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પણ બૅન હતો અને અહીં સજાવટ માટે ઉપયોગમાં લેવામાં આવેલાં ફ્લાવર્સ ચૅરિટી માટે આપવામાં આવશે. જેનો સદ્ઉપયોગ થશે. વળી અભિષેક માટેનું પવિત્ર તેલ વેગન હતું. બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે બાઇબલમાંથી થોડોક ભાગ વાંચ્યો હતો. 

ફૅમિલીમાં તનાવ વચ્ચે પ્રિન્સ હૅરી ઉપસ્થિત રહ્યો

રાજ્યાભિષેક દરમ્યાન​ પ્રિન્સ હૅરી, જેની હાજરીને લઈને અટકળો હતી

પ્રિન્સ હૅરી ગઈ કાલે કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેકમાં ઉપસ્થિત રહ્યો હતો. સ્મૃતિઓને રજૂ કરતી તેની વિસ્ફોટક બુક ‘સ્પૅર’ના વિમોચન બાદથી તે પહેલી વખત તેના પરિવારની સાથે જાહેરમાં જોવા મળ્યો હતો. હૅરી તેના અન્કલ પ્રિન્સ એન્દ્રુની સાથે ત્રીજી હરોળમાં બેઠો હતો. કિંગનો સૌથી નાનો દીકરો તેની વાઇફ મેઘન અને તેમનાં સંતાનો-પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટ વિના લંડનમાં આવ્યો હતો. 

આ વખતે શું નવું હતું?

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમનાં પત્નીએ ગઈ કાલે કિંગ ચાર્લ્સના ઐતિહાસિક રાજ્યાભિષેકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

international news london prince charles