31 May, 2025 07:12 AM IST | Dubai | Gujarati Mid-day Online Correspondent
કેરળ સમુદાય દ્વારા શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવ્યું હોવાનો દાવો (તસવીર: X)
પાકિસ્તાનની સરકાર, આર્મી સામાન્ય માણસો હોય કે પછી સેલિબ્રિટિ અને ક્રિકેટરો બધા જ ભારત અને તેના લોકો માટે ઝેર ઓકવાનું કામ કરે છે. ભારત માટે આટલી બધી નફરત હોવા છતાં અનેક ભારતીયો આ પાકિસ્તાનના સેલિબ્રિટિ અને ક્રિકેટરો પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવે છે. તાજેતરમાં એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દુબઈમાં રહેતા કેરળ સમુદાયના લોકોએ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
દુબઈમાં એક કાર્યક્રમ દરમિયાન કેરળ સમુદાય દ્વારા ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે નેટીઝન્સ દ્વારા તેમની ટીકાઓ કરવામાં આવી રહી છે. પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા જેમાં 26 નાગરિકોના મોત થયા હતા, તેમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેરી વલણ અપનાવ્યું હતું, જેના કારણે આ નકારાત્મક પ્રતિક્રિયાઓ આવી હતી.
આ હુમલા પાછળ પાકિસ્તાનના આતંકવાદી જૂથોનો હાથ હોવાનું અને તેના દેશની સરકાર શંકાના ઘેરામાં આવતા, આફ્રિદીએ ભારતીય સેના પર ઘૃણાસ્પદ આરોપ લગાવ્યો હતો અને તેમને અસમર્થ ગણાવ્યા હતા. એક ટૉક શો દરમિયાન, તેણે કહ્યું હતું: "તુમ લોગોં કી 8 લાખ કી ફૌજ વહાં બેઠી હૈ યાર કાશ્મીર મેં ઔર યે ઘટના હો ગયા હૈ. ઇસકા મતલબ યે હૈ નાલાયક નિકમ્મે હો તુમ લોગ કી સુરક્ષા આપ દે નહીં સકતે." જેનો અર્થ એવો થાય છે કે તમારી પાસે 8 લાખ સૈનિકોની સેના છે જે કાશ્મીરમાં તહેનાત છે અને આ ઘટના બની. તેનો અર્થ એ છે કે સેના તેમના લોકોને પૂરતી સુરક્ષા આપવા માટે પૂરતી જવાબદાર નથી.
આફ્રિદીએ ભારત માટે કરેલી આવી વાતોને ધ્યાનમાં રાખીને, દુબઈમાં કેરળ સમુદાયે આફ્રિદીનું જોરદાર સ્વાગત કર્યું તે નેટીઝન્સને જરાય ગમ્યું નહીં. તેમ છતાં, 48 વર્ષીય ખેલાડીએ પ્રેક્ષકોની પ્રશંસા કરી, તેમનો આભાર માન્યો અને કહ્યું કે તે કેરળના ખોરાકને કેટલો પ્રેમ કરે છે. જોકે, પહલગામ ઘટના પછી ભારતમાં આ અનુભવી ખેલાડીના યુટ્યુબ અને એક્સ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે મોટાભાગના અન્ય પાકિસ્તાની ક્રિકેટરો અને ચોક્કસ ન્યૂઝ ચૅનલોની જેમ હતું. ભારતમાંથી પ્રતિબંધ ઇન્સ્ટાગ્રામ પર પણ વિસ્તર્યો હતો.
પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી એક પછી એક ભારત અને ઇન્ડિયન આર્મી વિશે વિવાદિત નિવેદન આપી રહ્યો છે. હાલમાં તેણે ‘ભારત પોતાના લોકોને જાતે મારી રહ્યું છે’ એવી કમેન્ટ પણ કરી હતી. ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને ગઈ કાલે સાંજે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ ભૂતપૂર્વ પાકિસ્તાની ઑલરાઉન્ડરને ટૅગ કરી જડબાતોડ જવાબ આપતાં લખ્યું હતું કે ‘અમે કારગિલમાં પણ (તમને) હરાવ્યા હતા, પહેલાંથી આટલા બેઇજ્જત થયેલા છો, હજી કેટલા બેઇજ્જત થશો. કારણ વગર કમેન્ટ પાસ કરવા કરતાં પોતાના દેશની પ્રગતિ માટે મગજ વાપરો. શાહિદ આફ્રિદી, અમને અમારી ભારતીય સેના પર ઘણો ગર્વ છે. ભારત માતા કી જય. જય હિન્દ.’