23 June, 2025 09:15 AM IST | Venice | Gujarati Mid-day Correspondent
૬૧ વર્ષના જેફ બેઝોસ અને તેમની ફિયાન્સે પંચાવન વર્ષની લૉરેન સાંચેઝ
ઍમૅઝૉનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ૬૧ વર્ષના જેફ બેઝોસ અને તેમની ફિયાન્સે પંચાવન વર્ષની લૉરેન સાંચેઝ ઇટલીના વેનિસમાં ૨૪થી ૨૬ જૂન દરમ્યાન સૅન જ્યૉર્જિયો મેગીઓર ટાપુ પર લગ્ન કરવાનાં છે. આ લગ્નસમારોહમાં લગભગ ૨૦૦ હાઈ-પ્રોફાઇલ મહેમાનો હાજરી આપે એવી અપેક્ષા છે.
આ લગ્ન પાછળ આશરે ૧૬ મિલ્યન ડૉલર (લગભગ ૧૩૯ કરોડ રૂપિયા)નો ખર્ચ અપેક્ષિત છે. દુલ્હન લૉરેન સાંચેઝનો ડ્રેસ આશરે ૧૩ કરોડ રૂપિયામાં તૈયાર થવાનો છે. લગ્નમાં વિવિધ સ્થળોની સજાવટ અને ફૂલો પર આશરે ૮ કરોડ રૂપિયા, લગ્નના આયોજન માટે ૨૬ કરોડ રૂપિયા અને મહેમાનોને ઉતારો આપવા પાછળ આશરે ૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. લગ્નમાં સજાવટ માટેનાં ફૂલો લંડનથી આવવાનાં છે.
બેઉનાં બીજાં લગ્ન
જેફ બેઝોસ વિશ્વની ત્રીજી સૌથી ધનિક વ્યક્તિ છે. જેફ બેઝોસે ૧૯૯૩માં મૅકેન્ઝી સ્કૉટ સાથે લગ્ન કર્યાં હતાં અને બન્નેનું લગ્નજીવન ૨૫ વર્ષ રહ્યું હતું. જોકે ૨૦૧૯માં તેમના છૂટાછેડા થયા હતા. બેઝોસ અને મૅકેન્ઝીને ચાર બાળકો છે. તેમના મોટા પુત્રનું નામ પ્રેસ્ટન છે, જ્યારે અન્ય ત્રણનાં નામ ગુપ્ત રાખવામાં આવ્યાં છે.
મીડિયા સેલિબ્રિટી લૉરેન સાંચેઝે ૨૦૦૫થી ૨૦૧૯ સુધી હૉલીવુડના ટૅલન્ટ એજન્ટ પૅટ્રિક વાઇટસેલ સાથે લગ્ન કર્યાં હતાં. તેને બે બાળકો એલા અને ઇવાન છે. તેને એક પુત્ર નિક્કો પણ છે, જેનો જન્મ ૨૦૦૧માં ભૂતપૂર્વ NFL ખેલાડી ટોની ગૉન્ઝાલેઝ સાથે થયો હતો.
લગ્ન સુપરયૉટમાં થશે
લગ્નનો મુખ્ય સમારોહ બેઝોસની ૫૦૦ મિલ્યન ડૉલરની સુપરયૉટ કોરુ પર થવાની ધારણા છે. આ યૉટ વેનેશિયન લગૂનમાં લંગર કરશે. કોરુ સાથે એના જેવું જ એક સપોર્ટ શિપ એબેઓના પણ લંગર થશે. બાકીના સમારોહ વેનિસમાં અનેક ભવ્ય સ્થળે યોજાશે. કૉકટેલ રિસેપ્શન અને બીજી ઉજવણી ગ્રૅન્ડ કનૅલ પર ૧૫મી સદીના મહેલ સ્કુઓલા ગ્રૅન્ડે ડેલા મિસેરીકોર્ડિયા અને લિડો પર આઇકોનિક હોટેલ એક્સેલસિયર ખાતે થવાની ધારણા છે.
કોણ મહેમાનો આવશે?
આમંત્રિત મહેમાનોની સંપૂર્ણ યાદી ગુપ્ત રાખવામાં આવી છે. વિશ્વના દરેક ખૂણામાંથી સેલિબ્રિટીઝ, બિઝનેસ લીડર્સ, દાનવીર અને રાજકારણીઓનો એમાં સમાવેશ છે. બિલ ગેટ્સ, ઈલૉન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ પણ હાજરી આપશે એમ મનાય છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહી શકે છે. લેડી ગાગા નવદંપતી માટે પર્ફોર્મ કરશે એવી શક્યતા છે.
વેનિસના લોકોનો વિરોધ, મેયરને વાંધો નથી
આ મેગા લગ્નમાં પ્રવાસીઓના ટ્રૅફિકનો વિરોધ કરવા માટે સ્થાનિક લોકો ઊભા થયા છે. તેમણે ‘નો બેઝોસ’નાં પોસ્ટરો શહેરમાં લગાવી દીધાં છે. આ શહેર ગત સદીમાં લગભગ ૫.૯ ઇંચ ડૂબી ગયું છે તેથી લોકો વિરોધ કરી રહ્યા છે. જોકે વેનિસના મેયર લુઇગી બ્રુગ્નારોએ વિરોધ-પ્રદર્શનોને શરમજનક ગણાવીને કહ્યું છે કે ‘લગ્નમાં ફક્ત ૨૦૦ મહેમાનો હશે એટલે શહેરને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ ઘટના એટલી નાની છે કે શહેરના રહેવાસીઓ કે પ્રવાસીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.’