18 September, 2026 12:38 PM IST | iltaly | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને જ્યૉર્જિયા મેલોની
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠ નિમિત્તે ગુરુવારે દેશ અને દુનિયાના દિગ્ગજ નેતાઓએ તેમને શુભકામનાઓ આપી હતી. વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત સ્થિતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરીને નેતાઓએ તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. વિદેશી નેતાઓ ઉપરાંત દેશના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેમને અભિનંદન આપ્યાં હતાં.
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની : મારા મિત્ર નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ. હું આપના સ્વાસ્થ્ય, ઊર્જા અને સફળતાની કામના કરું છું. ઇટલી અને ભારત મિત્રતાના ઊંડા સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખશે અને આપણા દેશો માટે સહકાર અને સમૃદ્ધિના ભવિષ્યનું નિર્માણ કરશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન : વૈશ્વિક મંચ પર આપને ખૂબ સન્માન મળ્યું છે. ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વિશેષાધિકારવાળી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવામાં આપના વ્યક્તિગત યોગદાનને ઓછું આંકી શકાય નહીં.
ડોનલ્ડ ટ્રમ્પ વતી અમેરિકન એમ્બેસી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વતી અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. આવનારા વર્ષમાં આપને સારા સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરીએ છીએ.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ : જન્મદિવસની શુભકામનાઓ નરેન્દ્ર. આપના નેતૃત્વએ ભારતને એક વિશ્વશક્તિમાં પરિવર્તિત કરી દીધું છે. ઇઝરાયલ અને ભારત વચ્ચેની મિત્રતા પહેલાં ક્યારેય આટલી મજબૂત નહોતી અને આપણે સાથે મળીને એને વધુ ઊંચાઈએ લઈ જઈશું.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. હું આપના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરું છું.
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજય : ભારતના માનનીય વડા પ્રધાનને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, જેઓ મજબૂત ભારત બનાવવા માટે સમર્પણ સાથે કામ કરી રહ્યા છે. હું આપના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરું છું.