18 June, 2025 12:16 PM IST | Tehran | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલે ઈરાનના સરકારી ટીવી-સ્ટુડિયો પર કર્યો હુમલો
ઇઝરાયલે ઈરાનના તેહરાનમાં આવેલા સરકારી ટેલિવિઝન સ્ટેશનને લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન ઉડાવી દીધું હતું, જેના કારણે ચૅનલને એનું લાઇવ ટેલિકાસ્ટ બંધ કરવું પડ્યું હતું. આ ઘટનાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોમાં લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન વિસ્ફોટનો અવાજ સંભળાય છે. હુમલા પછીનાં દૃશ્યોમાં સ્ટુડિયો સળગતો જોવા મળ્યો હતો અને એમાંથી કાળો ધુમાડો નીકળતો હતો. જોકે હુમલામાં સ્ટુડિયો સંપૂર્ણપણે નાશ પામ્યો નહોતો. લાઇવ બુલેટિન દરમિયાન મિસાઇલો મુખ્યાલય પર વાગ્યાં હતાં. હુમલો થતાં જ ટીવી-ઍન્કર સહિત બાકીના ક્રૂને તાત્કાલિક કૅમેરા છોડીને બહાર જવું પડ્યું હતું.
ઇઝરાયલે એના હુમલા પહેલાં જ ઈરાનની રાજધાની તેહરાનનો એ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. આ ટીવી-સ્ટુડિયો પણ આ જ વિસ્તારમાં આવેલો છે. સોમવારે સવારે ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો, જેના કારણે ઘણું નુકસાન થયું હતું. ઈરાની હુમલાઓને કારણે સમગ્ર ઇઝરાયલમાં હવાઈ હુમલાની સાયરન સંભળાઈ હતી. ઈરાની હુમલામાં આશરે આઠ ઇઝરાયલી નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.