ઇઝરાયલે ઈરાનની એનર્જી ફૅસિલિટીને નિશાન બનાવી- એના બદલામાં ઈરાને ગલ્ફ વિસ્તારમાં અનેક હુમલા કર્યા

20 March, 2026 10:02 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

કતરમાં વિશ્વની સૌથી મોટી LNG ફૅસિલિટી પર અટૅક, સાઉદી અને કુવૈતમાં બે રિફાઇનરી ટાર્ગેટ

કતરે ઈરાની દૂતાવાસના અધિકારીઓની હકાલપટ્ટી કરી

ઇઝરાયલે ઈરાનની એક એનર્જી ફૅસિલિટીને નિશાન બનાવી એના બદલામાં ઈરાને ગલ્ફ વિસ્તારમાં આવેલા દેશોમાં અનેક હુમલા કર્યા હતા અને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ઈરાને કતરમાં વિશ્વની સૌથી મોટી લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG)ની સુવિધા પર કરેલા હુમલાથી વ્યાપક નુકસાન થયું હતું. બીજી તરફ ઈરાને સાઉદી અરેબિયાની એક અને કુવૈતની બે રિફાઇનરીને પણ નિશાન બનાવી હતી. એમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે. બીજી તરફ ગઈ કાલે વહેલી સવારે મિસાઇલોને અટકાવ્યા પછી ઈરાનના હુમલાના ભયે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)એ એની ગૅસ-સુવિધાઓ બંધ કરી દીધી હતી.

ઈરાને સાઉદી અરેબિયા, UAE અને કતરમાં અનેક તેલ-સુવિધાઓ ખાલી કરાવવાની ચેતવણી જાહેર કર્યાના કલાકો પછી આ હુમલો થયો હતો. ઈરાને કહ્યું હતું કે એ સાઉથ પાર્સ અને અસલુયેહમાં એના પોતાના ઊર્જામાળખા પર થયેલા હુમલાઓ બાદ બદલો લેશે. ઇઝરાયલે ઈરાનની ગૅસ-સુવિધાઓ પર કરેલા હુમલાનો બદલો લેવા માટે ઈરાને ઉપરોક્ત હુમલા કર્યા હતા જે લગભગ ૩ અઠવાડિયાંના યુદ્ધમાં વધુ તીવ્ર સંઘર્ષ દર્શાવે છે.

કતરે ઈરાની દૂતાવાસના અધિકારીઓની હકાલપટ્ટી કરી

ઈરાને કતરમાં વિશ્વની સૌથી મોટી LNG ઉત્પાદન-સુવિધા પર હુમલો કર્યા બાદ કતરે ઈરાની દૂતાવાસના અધિકારીઓને પર્સોના નૉન-ગ્રેટા જાહેર કર્યા છે અને તેમને ૨૪ કલાકની અંદર દેશ છોડવા કહ્યું હતું.  કતરના વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય વારંવાર ઈરાન દ્વારા નિશાન બનાવવા અને કતર રાજ્ય સામેના સ્પષ્ટ આક્રમણના જવાબમાં લેવામાં આવ્યો છે, જે એના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે. એમાં એ પણ પુષ્ટિ આપવામાં આવી છે કે કતર આંતરરાષ્ટ્રીય કાયદાની જોગવાઈઓ અનુસાર એના સાર્વભૌમત્વ અને સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે.

કતરના LNG પ્લાન્ટને થયેલું નુકસાન રિપેર થવામાં પાંચ વર્ષ લાગી શકે છે

ઈરાને કતરના લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) પ્લાન્ટ પર કરેલા હુમલામાં ભારે નુકસાન થયું છે. કતર એનર્જીના CEO સાદ અલ-કાબીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઈરાનના હુમલાથી જે પ્લાન્ટને નુકસાન થયું છે એ કંપનીની LNG એક્સપોર્ટ કૅપેસિટીનો લગભગ ૧૭ ટકા હિસ્સો છે. એના રિપેરિંગમાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે.’ કતરના પ્રાઇમ મિનિસ્ટર મોહમ્મદ બિન અબ્દુલરહમાને કહ્યું હતું કે ‘ડિપ્લોમસી પરસ્પરના સન્માન પર આધારિત હોવી જોઈએ, પરંતુ ઈરાને પોતાનો ગુસ્સો કાઢવામાં ભરોસો ખતમ કરી નાખ્યો છે અને ફરી એ ભરોસો ઊભો કરવાની જરૂર છે. ઇન્ટરનૅશનલ લૉ અંતર્ગત ઈરાને કરેલા LNG પ્લાન્ટના હુમલાનો જવાબ દેવાનો કતરને અધિકાર છે.’ 

અમે યુદ્ધવિરામ નહીં, યુદ્ધનો અંત લાવવામાં માનીએ છીએ : ઈરાન

ઈરાને અમેરિકા અને એના સાથીઓ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં તાત્કાલિક યુદ્ધવિરામનો ઇનકાર કર્યો છે. વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ સ્પષ્ટ કર્યું છે કે તેહરાન વ્યાપક અને સંભવિત લાંબા સંઘર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. એક મુલાકાતમાં અરાગચીએ લડાઈમાં કામચલાઉ બંધના વિચારને ફગાવીને દલીલ કરી હતી કે સંઘર્ષને એકલા અથવા મર્યાદિત વ્યવસ્થા દ્વારા ઉકેલી શકાય નહીં. આ મુદ્દે બોલતાં અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે ‘અમે યુદ્ધવિરામમાં માનતા નથી, અમે યુદ્ધનો અંત લાવવામાં માનીએ છીએ. કોઈ પણ ઠરાવ લેબૅનન અને યમનથી લઈને ઇરાક અને એનાથી આગળ બધા સક્રિય મોરચે એકસાથે લાગુ થવો જોઈએ.’ 

international news world news united states of america iran israel middle east crisis qatar