16 June, 2025 10:48 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઇઝરાયલના નેતન્યામાં હવામાં ઈંધણ પુરાવતું F-15 ફાઇટર જેટ.
ઇઝરાયલે પશ્ચિમી ખોરામાબાદમાં ઈરાનના ભૂગર્ભ મિસાઇલ સિટીનો નાશ કર્યો હતો અને આ સ્થળનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.
ઈરાનના પશ્ચિમી ખોરામાબાદમાં આવેલા આ ભૂગર્ભ મિસાઇલ સિટીને ઈરાની સૈન્ય દ્વારા એની મિસાઇલ શક્તિના પ્રતીક તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું હતું કે આ સ્થળે સર્ફેસ-ટુ-સર્ફેસ અને ક્રૂઝ મિસાઇલો રાખવામાં આવ્યાં હતાં. ઈરાને આ સ્થળનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેથી બતાવી શકાય કે તેઓ કેટલા શક્તિશાળી છે. ઇઝરાયલે કહ્યું હતું કે અમે વિશ્વને બતાવ્યું છે કે જ્યારે તમે આવો પ્રચાર પોતાની તાકાત દર્શાવવા માટે કરો છે એ ભૂલ છે, હવે તમને ખબર પડી કે ત્યારે અમે શું કરી શકીએ છીએ.
ગઈ કાલે ઇઝરાયલના તેલ અવિવમાં તંગદિલી વચ્ચે પણ બીચ પર એક્સરસાઇઝ કરતા લોકો.
બીજી તરફ ઇઝરાયલ અને ઈરાને રવિવારે ત્રીજા દિવસે એકબીજા પર હુમલા ચાલુ રાખ્યા હતા. ઇઝરાયલી સૈન્યએ કહ્યું હતું કે એણે ઈરાની સંરક્ષણ મંત્રાલય અને પરમાણુ પ્રોજેક્ટના મુખ્યાલય પર વિસ્તૃત શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. IDFએ કહ્યું હતું કે લક્ષ્યોમાં એ સ્થાન પણ સામેલ હતું જ્યાં ઈરાને એનાં પરમાણુ આર્કાઇવ છુપાવ્યાં હતાં.
ઈરાનના નવા હુમલાઓને પગલે જેરુસલેમ અને તેલ અવિવમાં હવાઈ હુમલાની સાઇરન પણ વગાડવામાં આવી હતી. ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું હતું કે ઈરાની દળોએ ઇઝરાયલના ઊર્જા માળખા અને ફાઇટર જેટ ઈંધણ ઉત્પાદન માટેની સુવિધાઓને નિશાન બનાવી હતી. શુક્રવારે વહેલી સવારે ઇઝરાયલી સૈન્ય દ્વારા ઑપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યા પછી અને ઈરાનનાં પરમાણુ અને લશ્કરી સ્થળો પર હુમલો કર્યા પછી નવા હુમલા થતા રહ્યા છે.
ગઈ કાલે ઇઝરાયલના હાઇફામાં એક ટનલમાં આશરો લેવા રોકાયેલા મોટરિસ્ટો.
આ મુદ્દે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે ‘આ ઑપરેશન ઇઝરાયલના અસ્તિત્વ માટે અને ઈરાની ખતરાને દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ ખતરાને દૂર કરવા માટે આ ઑપરેશન જેટલા દિવસો લાગશે એટલા દિવસો સુધી ચાલુ રહેશે.’
ઈરાને ૧૫ પરમાણુ બૉમ્બ બનાવ્યા હોત, અમારી પાસે હુમલા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો : ઇઝરાયલ
ઇઝરાયલી સૈન્યએ ગઈ કાલે કહ્યું હતું કે ઈરાન પાસે ૭૦૦૦ કિલોગ્રામ એનરિચ્ડ યુરેનિયમ હતું જેનાથી એ ૧૫ પરમાણુ બૉમ્બ બનાવી શકે એમ હતું, આના લીધે અમારી પાસે ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલાં લક્ષ્યો પર હુમલો કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
આ સંદર્ભમાં ઇઝરાયલી સંરક્ષણ દળોએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઈરાન ૧૫ પરમાણુ બૉમ્બ બનાવી શક્યું હોત, એ પહેલાં અમે તેમને રોકી દીધું હતું. અમે અમારા અસ્તિત્વને બચાવવા માટે આ કાર્યવાહી કરી હતી. આના લીધે ઈરાન પરના આક્રમણમાં ટોચના જનરલો અને વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી હતી.’
ઇઝરાયલમાં અદાણી ગ્રુપ સંચાલિત હાઇફા પોર્ટ પર ઈરાનનો હુમલો
ઈરાને ગઈ કાલે બૅલિસ્ટિક મિસાઇલથી ઇઝરાયલના હાઇફા પોર્ટ પર હુમલો કર્યો હતો, પણ આ પોર્ટના ઑપરેશન્સને કોઈ અસર થઈ નથી. હાઇફામાં ઑઇલ રિફાઇનરી, નૌકાદળ મથક અને રહેણાક વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. બંદર પરના રાસાયણિક ટર્મિનલમાં શાર્પનેલ પડ્યા હતા અને કેટલાક અન્ય પ્રોજેક્ટાઇલ તેલ રિફાઇનરી પર પડ્યા હતા.
આ સંદર્ભમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત હાઇફા બંદરને ઈરાની બૅલિસ્ટિક મિસાઇલ હુમલાથી કોઈ નુકસાન થયું નથી અને કાર્ગો કામગીરી કોઈ અવરોધ વિના આગળ વધી રહી છે. હવે બંદરમાં ૮ જહાજ છે અને કાર્ગો કામગીરી સામાન્ય છે.’
હાઇફા પોર્ટ એક મહત્ત્વપૂર્ણ પોર્ટ છે જે ઇઝરાયલની ૩૦ ટકાથી વધુ આયાતનું સંચાલન કરે છે. એ અદાણી પોર્ટ્સની માલિકીનું છે જે ૭૦ ટકા હિસ્સો નિયંત્રિત કરે છે.