25 March, 2026 09:34 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઇઝરાયલ પર ઈરાને છોડેલી મિસાઇલ
ફિલિપીન્સમાં ગઈ કાલે રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરવામાં આવી હતી અને આવું કરનારો એ વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. પ્રેસિડન્ટ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે સ્પષ્ટતા કરી હતી કે આ પગલું દેશને અંધકારમાં ડૂબતો અટકાવવા અને વીજળીના આસમાને પહોંચતા ભાવોથી જનતાને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. ફિલિપીન્સ એની ઊર્જા-જરૂરિયાતો માટે લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) પર ખૂબ આધાર રાખે છે, પરંતુ યુદ્ધથી કિંમતો વધી રહી છે. જાહેર કરાયેલા એક્ઝિક્યુટિવ ઑર્ડર મુજબ દેશની ઊર્જા-સ્થિરતા ગંભીર રીતે ખતરામાં છે. સરકાર હવે વીજળી-ઉત્પાદન વધારવા માટે કોલસા-આધારિત પાવરપ્લાન્ટ્સ પર એની નિર્ભરતા વધારશે.
ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયેલા મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઇઝરાયલ અને ઈરાને એકબીજા પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. ગઈ કાલે ઈરાને ઇઝરાયલના તેલ અવિવ પર અનેક મિસાઇલો છોડી હતી, જ્યારે બીજી તરફ હિઝબુલ્લાહે પણ ઇઝરાયલી સૈનિકો પર હુમલો કરવાનો દાવો કર્યો હતો. અમેરિકાએ પણ કહ્યું હતું કે તેહરાન સાથે એની વાટાઘાટોની યોજનાઓ ‘અસ્પષ્ટ’ છે.
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે અમેરિકા અને ઈરાનની વાટાઘાટોની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય નથી. ટ્રમ્પના દાવા બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી તેમનાં સુરક્ષા-હિતોની ખાતરી ન મળે ત્યાં સુધી લશ્કરી આક્રમણ હળવું કરવામાં આવશે નહીં.
ઇઝરાયલને ગઈ કાલે બેવડો ફટકો પડ્યો હતો. ઈરાને ઇઝરાયલની રાજધાની તેલ અવિવ પર અનેક મિસાઇલો છોડી હતી. ઇઝરાયલી પોલીસે અહેવાલ આપ્યો હતો કે આશરે ૧૦૦ કિલો વિસ્ફોટકો ધરાવતાં ઈરાની હથિયારોથી નુકસાન થયું હતું. મિસાઇલે રહેણાક શેરીમાં ઘરો અને કારને નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ ગંભીર ઈજાઓના કોઈ અહેવાલ નથી. હિઝબુલ્લાહે લેબૅનનમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) પર રૉકેટ-હુમલો કર્યો હતો.
પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવરપ્લાન્ટ્સ પર પાંચ દિવસ સ્ટ્રાઇક કરવામાં નહીં આવે એવી જાહેરાત કર્યાના થોડા કલાકો પછી ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ઇસ્ફહાન અને ખોરમશહરમાં ઊર્જા સંબંધિત સુવિધાઓ પર હુમલો થયો છે. ઇસ્ફહાનમાં એક કુદરતી ગૅસ ઍડ્મિનિસ્ટ્રેશન બિલ્ડિંગ અને ગૅસ પ્રેશર ઘટાડવાના સ્ટેશનને અસર થઈ હતી, જ્યારે ખોરમશહરમાં એક પાવરપ્લાન્ટ સાથે જોડાયેલી કુદરતી ગૅસ પાઇપલાઇનને નિશાન બનાવવામાં આવી હતી.
ઈરાનની રાજધાની તેહરાનમાં ઇમારતોને અમેરિકા-ઇઝરાયલી હુમલાઓનો ભોગ બનવું પડ્યું છે. ઈરાની રેડ ક્રેસેન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર ઈરાનમાં યુદ્ધની શરૂઆતથી દેશભરમાં ૮૨,૪૧૭ નાગરિક એકમો હવાઈ હુમલાથી નુકસાન પામ્યા છે. કુલ ૨૮૧ હૉસ્પિટલો, ક્લિનિક્સ અને ફાર્મસીઓને પણ નિશાન બનાવવામાં આવી છે.