17 January, 2026 09:02 PM IST | Tehran | Gujarati Mid-day Online Correspondent
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની
ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીએ શનિવારે અમેરિકાના અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ઈરાનમાં થયેલા મૃત્યુ, નુકસાન અને બદનામી માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા, તેમને ‘ગુનેગાર’ ગણાવ્યા. ખામેનીએ આરોપ લગાવ્યો કે ઈરાનમાં તાજેતરની અશાંતિ અમેરિકાનું કાવતરું હતું. તેમણે કહ્યું કે ઈરાનને યુદ્ધમાં ધકેલવામાં આવશે નહીં.
"વિરોધ કરનારાઓ પ્રત્યે કોઈ ઉદારતા દાખવવામાં આવશે નહીં"
સ્થાનિક મીડિયા આઉટલેટ ઈરાન ઇન્ટરનેશનલ અનુસાર, ખામેનીએ કહ્યું, "અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાની રાષ્ટ્રને નુકસાન પહોંચાડ્યું છે અને આ માટે તેમને ગુનેગાર ગણવામાં આવે છે." તેમણે કહ્યું કે ઈરાન સરકારી સ્તરે સંયમ રાખશે, પરંતુ હિંસા માટે જવાબદાર લોકો પ્રત્યે કોઈ ઉદારતા દાખવવામાં આવશે નહીં. ખામેનીએ કહ્યું, "દેશને યુદ્ધમાં ધકેલવામાં આવશે નહીં, પરંતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગુનેગારોને ચોક્કસપણે સજા કરવામાં આવશે." તેમણે તાજેતરના વિરોધ પ્રદર્શનોને વિદેશી દળો દ્વારા પ્રાયોજિત ગણાવ્યા અને કહ્યું કે સમગ્ર અશાંતિ ઈરાન પર કબજો કરવાના હેતુથી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું કાવતરું હતું.
ઈરાની સુપ્રીમ લીડરએ ડોનાલ્ડ ટ્રમ્પ પર સીધો આરોપ લગાવતા કહ્યું કે ટ્રમ્પે અશાંતિમાં વ્યક્તિગત રીતે દખલ કરી, નિવેદનો આપ્યા, તોફાનીઓને ઉશ્કેર્યા અને તેમને લશ્કરી સહાયનું વચન પણ આપ્યું. ઈરાની સુપ્રીમ લીડરે અમેરિકન રાષ્ટ્રપતિ પર તોડફોડ કરનારાઓને ઈરાની નાગરિકો તરીકે દર્શાવવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જેમ ઈરાની લોકોએ રમખાણોની કમર તોડી નાખી, તેવી જ રીતે તેમની પાછળના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાવતરાખોરોને પણ તોડી નાખવામાં આવશે.
ઈરાન અને અમેરિકા વચ્ચે મામલો ગરમાયો છે ત્યારે ઈરાનમાં મોજૂદ ભારતીયોની સુરક્ષા જોખમમાં મુકાતાં બુધવારે જ ભારતીય દૂતાવાસે ભારતીયોને ઈરાનમાંથી નીકળી જવાની તાકીદ કરી હતી. એવામાં ઈરાનમાં કેટલા ભારતીયો ફસાયા હશે એનો અંદાજ લગાવાઈ રહ્યો છે, કેમ કે તેમને સળગતા પ્રદેશમાંથી બહાર કાઢવાનું સરકાર માટે ભારે ખર્ચાળ પણ હશે. ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનમાંથી ઉપલબ્ધ સાધનો અને કમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા ઝડપથી બહાર નીકળવાની સલાહ આપી હતી અને ભારતીય પાસપોર્ટ અને ઓળખપત્ર હંમેશાં સાથે રાખવાની સૂચના પણ આપી હતી. સરકારી દૂતાવાસના આંકડા મુજબ ઈરાનમાં લગભગ દસથી બાર હજાર ભારતીય નાગરિકો રહે છે. એમાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓની છે. ખાસ કરીને મેડિકલ અને ધાર્મિક અધ્યયન સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સ. આ ઉપરાંત નાના વેપારીઓ, ટેક્નિકલ પ્રોફેશનલ્સ અને કેટલાક પર્યટકો છે. સંકટના આ સમયમાં ભારતીયોને ત્યાંથી કાઢવાનું કામ આસાન નથી. ઇન્ટરનેટ બંધ હોવાથી સીમિત કમ્યુનિકેશન છે અને અનેક વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ છે.