04 April, 2026 08:53 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
કિંગ ફહાદ કૉઝવે
અમેરિકાએ તેહરાન અને કરાજ શહેરને જોડતા ઈરાનના ૪૦૦ મિલ્યન ડૉલરના કરાજ પુલને તોડી પાડ્યો હતો જેમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. યુદ્ધ શરૂ થયા પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ નાગરિક માળખા પર હુમલો થયો હોય. ત્યાર બાદ ઈરાને ગલ્ફ રીજનમાં ૮ મુખ્ય પુલોને હિટ-લિસ્ટમાં મૂક્યા હતા અને એની યાદી જાહેર કરી હતી, જેનાથી આ સંઘર્ષ આગળ ક્યાં જઈ શકે છે એ અંગે નવો ભય પેદા થયો છે. આ યાદી ગુરુવારે ફાર્સ ન્યુઝ એજન્સી દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી, જે ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ સાથે નજીકથી જોડાયેલી અર્ધસત્તાવાર આઉટલેટ છે.
અલ્બોર્ઝ પ્રાંતમાં આવેલો B1 પુલ તેહરાનને કરાજ સાથે જોડતો એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે. મધ્યપૂર્વના સૌથી ઊંચા પુલમાંનો એક આ પુલ તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને હજી પણ આંશિક રીતે બાંધકામ હેઠળ હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ એક કલાકમાં એના પર બે વાર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. વિસ્ફોટોને કારણે માળખાનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઑનલાઇન શૅર કરાયેલા ફોટોગ્રાફ્સ અને વિડિયોમાં ભારે નુકસાન જોવા મળ્યું છે, જેમાં પુલનો મોટો હિસ્સો ગાયબ છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર વિનાશનાં ફુટેજ શૅર કર્યાં હતાં અને ઉદ્ધત સ્વરમાં કહ્યું હતું કે ઈરાનનો સૌથી મોટો પુલ નાશ પામ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે ઘણું બધું કરવાનું બાકી છે, ખૂબ મોડું થાય એ પહેલાં ઈરાને ડીલ કરી લેવી જોઈએ.
ઈરાની મીડિયાએ જે પુલોનાં નામ જાહેર કર્યાં છે એમાં કુવૈતમાં શેખ જાબેર અલ અહમદ અલ સબાહ બ્રિજનો સમાવેશ થાય છે. આ ૩૬ કિલોમીટર લાંબો દરિયાઈ પુલ છે જેને નૉર્ધર્ન લાઇફલાઇન કહેવામાં આવે છે અને એનો કોઈ વાસ્તવિક વૈકલ્પિક માર્ગ નથી.
આ લિસ્ટમાં કિંગ ફહાદ કૉઝવેનું નામ પણ છે, જે સાઉદી અરેબિયા અને બાહરિનને જોડે છે અને બન્ને દેશો વચ્ચે એકમાત્ર રોડ-લિન્ક છે. એ વેપાર માટે અને બાહરિનમાં સ્થિત અમેરિકન ફિફ્થ ફ્લીટ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ફિફ્થ ફ્લીટ લૉજિસ્ટિક્સ એના પર નિર્ભર છે.
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં અબુ ધાબીમાં ત્રણ મુખ્ય પુલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એમાં શેખ ઝાયેદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજનો સમાવેશ થાય છે જે બધા ટાપુ શહેરને મુખ્ય ભૂમિ સાથે જોડે છે. જૉર્ડનમાં કિંગ હુસૈન બ્રિજ (એલનબી બ્રિજ), દામિયા બ્રિજ અને અબ્દુન બ્રિજનો સમાવેશ થાય છે. આ ક્રૉસિંગ જૉર્ડન અને વેસ્ટ બૅન્ક વચ્ચેની અવરજવર તેમ જ અમ્માનની અંદર ટ્રાફિક માટે મહત્ત્વપૂર્ણ છે.
ઈરાની મીડિયાએ જણાવ્યું છે કે આમાંના ઘણા પુલો ફરી બનાવવા મુશ્કેલ છે. એમને બનાવવામાં વર્ષો લાગ્યાં છે અને અબજો ડૉલરનો ખર્ચ થયો છે અને કેટલાક કિસ્સાઓમાં કોઈ બૅકઅપ રૂટ નથી. આવા માળખાને તોડવાથી સમગ્ર પ્રદેશમાં પરિવહન, વેપાર અને રોજિંદા જીવનને અસર થઈ શકે છે.