ઈરાન ૪૮ કલાકમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે

13 April, 2024 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકી અખબાર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’એ ઇન્ટેલિજન્સ એજન્સીઓને ટાંકતાં દાવો કર્યો... ઈરાન ૪૮ કલાકમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે, ભારત સહિતના દેશોએ ઇઝરાયલ-ઈરાનનો પ્રવાસ નહીં કરવા નાગરિકોને ચેતવ્યા : અમેરિકા હાઈ અલર્ટ પર, જર્મનીએ ફ્લાઇટ્સની અવરજવર રોકી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી અખબાર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’એ ઇન્ટેલિજન્સ એજન્સીઓને ટાંકતાં દાવો કર્યો... ઈરાન ૪૮ કલાકમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે, ભારત સહિતના દેશોએ ઇઝરાયલ-ઈરાનનો પ્રવાસ નહીં કરવા નાગરિકોને ચેતવ્યા : અમેરિકા હાઈ અલર્ટ પર, જર્મનીએ ફ્લાઇટ્સની અવરજવર રોકી

અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે દાવો કર્યો છે કે ઈરાન ૪૮ કલાકમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. અખબારે અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીનાં સૂત્રોને ટાંકતાં આ દાવો કર્યો હતો. સાથે જ અખબારે ઈરાનના ટૉપ લીડર સાથે પણ આ વિશે કન્ફર્મેશન મેળવ્યું હોવાનો દાવો કર્યો હતો. થોડા સમય પહેલાં સિરિયાની રાજધાની દમાસ્કસમાં ઇઝરાયલના હુમલામાં ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સના કમાન્ડર સહિત ૧૩ જણનાં મોત થયાં હતાં. આ હુમલા બાદ ઈરાનમાં ઇઝરાયલ પર હુમલો કરવાની માગ તીવ્ર બની હતી.  
અમેરિકી અખબારે જણાવ્યું હતું કે ઇઝરાયલ પર હુમલાની રાજકીય અસરો વિશે ઈરાનના નેતાઓ સમીક્ષા કરી રહ્યા છે. આ સમીક્ષાના આધારે હુમલાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલ ખોમેનીના સલાહકારે સ્વીકાર્યું હતું કે હુમલાની યોજના સુપ્રીમ લીડર સમક્ષ છે. તેઓ આ વિશે અંતિમ નિર્ણય લેશે. 

વર્ષો પછી પહેલી વાર ઈરાન-ઇઝરાયલ આમનેસામને
અત્યાર સુધી ઈરાનની સરકાર ઇઝરાયલ સાથે સીધી ટક્કર ટાળતી હતી. ઈરાન હમાસ અને હિઝબુલ્લાહ જેવાં સંગઠનો દ્વારા ઇઝરાયલ પર હુમલા કરતું આવ્યું છે, જ્યારે ઇઝરાયલ અત્યાર સુધી ઈરાન વિરુદ્ધ સીધી ઍક્શન લેતું આવ્યું છે.

ઇઝરાયલ પાસે ફાઇટર પ્લેન વધારે, ઈરાન પાસે યુદ્ધજહાજ વધુ
ઇઝરાયલ અને ઈરાનના સૈન્ય વચ્ચે તુલના કરીએ તો ઇઝરાયલ પાસે ૪૬૦ ફાઇટર પ્લેન છે જેની સામે ઈરાન ૩૩૬ ફાઇટર પ્લેન ધરાવે છે. જોકે સમુદ્રમાં ઈરાનની તાકાત ઇઝરાયલથી વધુ છે. ઇઝરાયલ પાસે ૬૪ યુદ્ધજહાજ છે, જ્યારે ઈરાન પાસે ૨૬૧ યુદ્ધજહાજ છે. ઇઝરાયલના ભૂમિદળમાં ૭.૫૨ લાખ સૈનિકો છે જેની સામે ઈરાનની આર્મીમાં ૧૧ લાખથી વધુ સૈનિક છે.

israel iran india national news international news world news