ઇઝરાયલ પર ઈરાને બૅલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો

16 March, 2026 11:30 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

UAEમાં ભારતીય જહાજમાં ક્રૂડ તેલ ભરવામાં આવતું હતું ત્યારે થયો હુમલો

ઈરાનના ખાર્ગ આઇલૅન્ડ પર અમેરિકાના હુમલા છતાં તેલનાં ટૅન્કરો હજી પણ બળતણ લોડ કરી રહ્યાં છે

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના સોળમા દિવસે ઈરાને ગઈ કાલે ઇઝરાયલ પર બૅલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. આ મિસાઇલના ટુકડાઓ અમેરિકન ડિપ્લોમૅટ્સ જ્યાં કામ કરે છે એ બિલ્ડિંગની બહાર પડ્યા હતા. આ બિલ્ડિંગને નુકસાન થયું હતું. જોકે આ બિલ્ડિંગ કયા શહેરમાં આવેલું છે એ તાત્કાલિક સ્પષ્ટ થયું નહોતું. ઇઝરાયલમાં અમેરિકન દૂતાવાસ જેરુસલેમમાં આવેલું છે અને એની તેલ અવિવમાં પણ એક મોટી ઑફિસ છે.

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ફુજૈરાહ ઑઇલ ટર્મિનલ પર શનિવારે ઈરાને હુમલો કર્યો ત્યારે ત્યાં એક ભારતીય ધ્વજ ધરાવતા જહાજ ‘જગ લાડકી’માં ક્રૂડ તેલ ભરવામાં આવી રહ્યું હતું. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘જહાજ પર સવાર તમામ ભારતીય ક્રૂ સુરક્ષિત છે. જહાજમાં આશરે ૮૦,૮૦૦ ટન ક્રૂડ ઑઇલ લોડ કરવામાં આવ્યું હતું અને હવે એ સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે.’

UAEમાં નકલી વિડિયો ફેલાવવાના આરોપસર ૧૦ લોકોની ધરપકડ

ઈરાન યુદ્ધ દરમ્યાન સોશ્યલ મીડિયા પર નકલી વિડિયો ફેલાવવા બદલ UAEએ ૧૦ લોકોની ધરપકડ કરી છે. વિવિધ ડિજિટલ પ્લૅટફૉર્મના નિરીક્ષણ દરમ્યાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આરોપીઓની રાષ્ટ્રીયતા જાહેર કરવામાં આવી નથી. કેટલાક લોકોએ એવા વિડિયો શૅર કર્યા હતા જેમાં ઍર ડિફેન્સ સિસ્ટમના હુમલાઓને અટકાવતાં વાસ્તવિક ફુટેજ દર્શાવવામાં આવ્યાં હતાં, જ્યારે અન્ય ક્લિપ્સમાં પ્રોજેક્ટાઇલ જમીન પર પડતાં અથવા ઘટનાઓ જોવા માટે ભીડ એકઠી થતી દેખાતી હતી.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કેટલાક વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવવામાં આવ્યા હતા, જેમાં UAEના વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટ, ભારે આગ અથવા મુખ્ય ઇમારતો પર હુમલાનાં ખોટાં દૃશ્યો દર્શાવવામાં આવ્યાં હતાં.

ખાર્ગ આઇલૅન્ડ પર તેલનું લોડિંગ ચાલુ 

ઈરાનના ખાર્ગ આઇલૅન્ડ પર અમેરિકાના હુમલા છતાં તેલનાં ટૅન્કરો હજી પણ બળતણ લોડ કરી રહ્યાં છે.  આ વિસ્તારમાં ઘણાં અન્ય ટેન્કરો તહેનાત છે. સૅટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે પાંચ ટૅન્કરો પહેલેથી જ બળતણ તેલ લોડ કરી ચૂક્યાં છે અને બે હજી પણ લોડ થવાની રાહ જોઈ રહ્યાં છે. જોકે હજી સુધી સ્પષ્ટ નથી કે આ ટૅન્કરો કયા દેશ અથવા કંપનીનાં છે.

UAEના અલ-ધફરા ઍરબેઝ પર ઈરાનનો મિસાઇલ અને ડ્રોન હુમલો 

ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ દાવો કર્યો છે કે એણે UAEમાં અલ-ધફરા ઍરબેઝ પર તહેનાત અમેરિકી સૈનિકોને નિશાન બનાવ્યા હતા. હુમલામાં ૧૦ મિસાઇલ અને અનેક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિસાઇલો અને ડ્રોને ઍરબેઝ પર ઍર ડિફેન્સ સિસ્ટમ્સ સહિત લશ્કરી માળખાને નિશાન બનાવ્યાં હતાં. અલ-ધફરા ઍરબેઝ UAEમાં આવેલું એક મુખ્ય અમેરિકન લશ્કરી બેઝ છે, જ્યાંથી અમેરિકા ગલ્ફ ક્ષેત્રમાં હવાઈ કામગીરી અને દેખરેખ મિશનનું નિરીક્ષણ કરે છે.

ઇઝરાયલમાં ૭૪,૪૩૦ કરોડનું ઇમર્જન્સી યુદ્ધ-બજેટ મંજૂર

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલે ઇમર્જન્સી લશ્કરી ખર્ચ માટે ૨.૬ અબજ શેકેલ (આશરે ૭૪,૪૩૦ કરોડ રૂપિયા)ના બજેટને મંજૂરી આપી છે. આ બજેટનો ઉપયોગ સુરક્ષા-ખરીદી અને તાત્કાલિક આવશ્યક જરૂરિયાતોને આવરી લેવા માટે કરવામાં આવશે. નાણાં મંત્રાલયના દસ્તાવેજમાં જણાવાયું છે કે યુદ્ધખર્ચને કારણે આ વધારાનું બજેટ જરૂરી હતું. એ શસ્ત્રો, આધુનિક વેપન સિસ્ટમની ખરીદી અને આવશ્યક યુદ્ધસામગ્રીના પુરવઠાને આવરી લેશે. આ બજેટ કુલ ૨૨૨ અબજ ડૉલરના બજેટમાંથી લેવામાં આવશે, જેને સરકારે ૧૨ માર્ચે મંજૂરી આપી હતી.

international news world news middle east crisis iran israel united states of america united arab emirates