23 March, 2026 11:45 AM IST | Israel | Gujarati Mid-day Correspondent
હવે અમેરિકાથી આવી પહોંચ્યો LPG
ઈરાને ઇઝરાયલમાં પરમાણુ સુવિધાનું ઘર માનવામાં આવતાં શહેરો ડિમોના અને અરાદ પર મોટો હુમલો કર્યો હતો. ઇઝરાયલી વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે આ હુમલામાં ૧૦૦ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે આ ખૂબ જ મુશ્કેલ સાંજ છે.
ઈરાનમાં નતાન્ઝ પરમાણુ સંવર્ધન સુવિધા પર હુમલો કરવામાં આવ્યા બાદ બદલાની કાર્યવાહીરૂપે ઈરાને આ હુમલો કર્યો હતો. ઈરાને છોડેલી મિસાઇલોથી ઇઝરાયલમાં ભારે વિનાશ થયો છે. મિસાઇલ એક રેસિડેન્શિયલ કૉલોનીના બિલ્ડિંગ પર પડી હતી અને નજીકનાં જૂનાં મકાનો એની અસરથી તૂટી પડ્યાં હતાં. મોટા ભાગના લોકો શેલ્ટરસ્થાનોમાં હતા તેથી તેમને કોઈ ખાસ ઈજા થઈ નહોતી. શનિવારે સાંજે ડિમોના શહેરના રહેણાક વિસ્તારમાં ઈરાની બૅલિસ્ટિક મિસાઇલ અથડાતાં ઓછામાં ઓછા ૪૭ લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલની ઇમર્જન્સી મેડિકલ સર્વિસ મૅગેન ડેવિડ એડોમ (MDA)ના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં લોકોને તાત્કાલિક સારવારની જરૂર હતી. ઘાયલોને બૉમ્બમાંથી નીકળેલા છરા વાગ્યા હતા. ઘણા લોકો શેલ્ટરહોમ તરફ દોડતી વખતે પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. ઘણા લોકો ગભરાટને કારણે પરેશાન હતા.
ડિમોનામાં ઇઝરાયલનું શિમોન પેરેસ નેગેવ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર આવેલું છે. આ શહેર એના પરમાણુ સંશોધન કેન્દ્ર અને ગુંબજ આકારની રચના માટે જાણીતું છે. નેગેવ રણમાં આવેલું આ ઇઝરાયલી પરમાણુ રીઍક્ટર અને સંશોધન કેન્દ્ર જેરુસલેમથી લગભગ ૯૦ કિલોમીટર દૂર છે. ઇઝરાયલ અહીંથી પરમાણુ શસ્ત્રો કાર્યક્રમ ચલાવતું હોવાનું માનવામાં આવે છે, પરંતુ એણે ક્યારેય આ વાત સ્વીકારી નથી. ઇઝરાયલના મતે ત્યાં ફક્ત સંશોધન જ કરવામાં આવે છે.
ડિમોનામાં મોટી સંખ્યામાં ભારતીય-યહૂદી વસ્તી છે. તેઓ મોટા ભાગે મહારાષ્ટ્રના છે અને ભારત સાથે મજબૂત સંબંધો જાળવી રાખે છે. આનાથી શહેરને લિટલ ઇન્ડિયા ઉપનામ મળ્યું છે. આમ આ નાનું શહેર એક અસામાન્ય સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે. શહેરમાં ભારતીય દુકાનો જોવા મળે છે અને મરાઠી દરેક જગ્યાએ સાંભળી શકાય છે. શહેરની ૩૦ ટકા એટલે કે આશરે ૭૫૦૦ લોકોની વસ્તી ભારતીય યહૂદી છે. શહેરમાં ક્રિકેટ લોકપ્રિય છે અને યુવા પેઢી ‘સોનપાપડી’, ‘ગુલાબજાંબુ’, ‘પાપડી ચાટ’, ‘ભેળપૂરી’ જેવા સ્થાનિક ભારતીય નાસ્તાથી ખૂબ પરિચિત છે, જે ઘણી દુકાનો વેચે છે.
હવે ટૉમાહૉક ક્રૂઝ મિસાઇલોથી સજ્જ બ્રિટિશ નૌકાદળની ન્યુક્લિયર સબમરીન અરબી સમુદ્રમાં તહેનાત
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે ત્રીજા અઠવાડિયામાં છે ત્યારે ટૉમાહૉક ક્રૂઝ મિસાઇલોથી સજ્જ બ્રિટિશ નૌકાદળની પરમાણુ સંચાલિત સબમરીન HMS એન્સન અરબી સમુદ્રમાં તહેનાત કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. બ્રિટિશ મીડિયાએ લશ્કરી સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે આ સબમરીન HMS એન્સન ટૉમાહૉક બ્લૉક IV લૅન્ડ-અટૅક મિસાઇલો અને સ્પિયરફિશ હેવીવેઇટ ટૉર્પીડોથી સજ્જ છે અને એ નૉર્ધર્ન અરબી સમુદ્રના ઊંડા પાણીમાં હોવાનું માનવામાં આવે છે. આ સબમરીન ઈરાન પર ક્રૂઝ મિસાઇલ હુમલો કરવામાં સક્ષમ છે. આનો અર્થ એ થયો કે જો સંઘર્ષ વધશે તો બ્રિટિશ દળો ઈરાન પર હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે જો બ્રિટિશ વડા પ્રધાન દ્વારા પરવાનગી આપવામાં આવશે તો આ સબમરીનને ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવશે અને એ સપાટીની નજીક પહોંચીને ૪ મિસાઇલો છોડશે